Western Times News

Gujarati News

ભારત, ચીન અને રશિયા સાથે મળીને ટ્રમ્પની દાદાગીરીને પડકારશે

એસ જયશંકર આગામી સપ્તાહે રશિયા પ્રવાસે જશે

યુસેસ સાથેના ટેરિફ વોર વચ્ચે ભારતને ચીન અને રશિયા સાથે સંબંધો ગાઢ કરવાની તક પ્રાપ્ત થઈ છે 

નવી દિલ્હી,અમેરિકાએ ભારત પર આકરો ૫૦ ટકા ટેરિફ ઝીંક્યો છે ત્યારે ભારત માટે આગામી સપ્તાહ કુટનીતિની દૃષ્ટિએ ઘણું મહત્વનું બની રહેશે. યુસેસ સાથેના ટેરિફ વોર વચ્ચે ભારતને ચીન અને રશિયા સાથે સંબંધો ગાઢ કરવાની તક પ્રાપ્ત થઈ છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી આગામી સપ્તાહે ભારતની મુલાકાતે આવશે.

જ્યારે ભારતના કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાના પ્રવાસે જશે.આમ ભારત, ચીન અને રશિયાની નવી ધરી રચાતા વિશ્વના આ ત્રણ શક્તિશાળી દેશો નજીકના ભવિષ્યમાં સાથે મળીને ટ્રમ્પની દાદાગીરીને પડકારી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે જાપાનના પ્રવાસે જશે અને ત્યારબાદ તે ચીનના ટિઆનજિન ખાતે ૩૧ ઓગસ્ટ અને ૧લી સપ્ટેમ્બરે યોજાનાર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની (એસસીઓ) બેઠકમાં હાજરી આપશે.

ચીનના વિદેશ મંત્રી ૧૮ ઓગસ્ટે ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલને મળશે. વડાપ્રધાન મોદીની ચીન યાત્રાના થોડા દિવસો પૂર્વે જ વાંગની ભારત યાત્રા ઘણી સુચક છે. ગલવાન ઘર્ષણ બાદ સૌપ્રથમ વખત ચીનના ઉચ્ચ અધિકારી ભારતની મુલાકાત લેશે. દરમિયાન ૨૦ ઓગસ્ટે વિદેશ મંત્રી એસ જયશંકર મોસ્કો જશે. જયશંકર રશિયાના સમકક્ષ સર્ગેઈ લાવરોવ સાથેની બેઠકમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની સંભવિત ભારત યાત્રાની યોજનાને આખરી ઓપ આપવા સહિત ઓઈલ ખરીદી, યુક્રેન યુદ્ધ સહિતના મુદ્દાઓ પર વાતચીત કરશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.