ઉમરેઠના બડાપુરા ગામનો યુવક પત્નીને હોસ્પિટલમાંથી ફરવા માટે લઈ આવ્યા બાદ કોઈ કારણસર ઈજા પહોંચાડી ભાગી ગયો

પત્નીની હાલત ગંભીર
વહેરાખાડી કોતરમાં લઈ જઈ પત્ની ઉપર પતિ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ફરાર
આણંદ,આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બડાપુરા ગામે રહેતી એક પરણીતા પોતાની માતા સાથે હોસ્પિટલમાં હાજર હતી ત્યારે તેણીનો પતિ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો અને પત્નીને વહેરાખાડી ખાતે મહિસાગર નદીએ ફરવા જવાનું કહીને બાઈક ઉપર બેસાડી કોતરોમાં લઈ આવ્યો હતો. જ્યાં જઈને કોઈ કારણસર પોતાની પાસેના તિક્ષ્ણ હથિયારથી બંને હાથમાં ઘા મારીને જીવલેણ ઈજા પહોંચાડી ભાગી છુટ્યો હતો. બીજી તરફ પરણીતાને લોહીલુહાણ હાલતમાં પ્રથમ આણંદ જનરલ હોસ્પિટલ અને ત્યાંથી આણંદની ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ઉમરેઠ તાલુકાના બડાપુરા ગામે ૩૫ વર્ષીય કૃષ્ણાબેન આશિષભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. કૃષ્ણાબેનના માતા કે અન્ય કોઈ સંબંધી બિમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને કૃષ્ણાબેન પોતાના માતા સાથે હોસ્પિટલમાં હાજર હતા ત્યારે કૃષ્ણાબેનનો પતિ આશિષભાઈ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો અને પત્ની કૃષ્ણાબેનને વહેરાખાડી ગામે મહીસાગર ફરવા જવાનું કહીને પોતાના બાઈક પર બેસાડી લઈ ગયો હતો.
જ્યાં કોતરોમાં કોઈ કારણસર પોતાની પાસેના ધારદાર તિક્ષ્ણ તલવાર જેવા હથિયારથી પત્ની કૃષ્ણાબેનની ઉપર હુમલો કરી દીધો હતો. જેના બંને હાથમાં ગંભીર ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બીજીતરફ લોહીલુહાણ હાલતમાં કૃષ્ણાબેન ત્યાં ઢળી પડ્યા હતા અને પોતાના ધર્મના માનેલા ભાઈને જાણ કરતાં ભાઈ પોતે રીક્ષા લઈને બહેન પાસે જઈ રહ્યો હતો.
સાથે સાથે ૧૦૮ વાનને જાણ કરતાં ૧૦૮ની ટીમ તેમજ ખંભોળજ પોલીસમથકના માણસો પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત કૃષ્ણાબેનને તાત્કાલિક સારવાર અર્થે આણંદ જનરલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે ગંભીર હાલતમાં આણંદ ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ બનાવ અંગે ખંભોળજ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.ss1