પાકિસ્તાન માત્ર ૯૨માં ખખડી ગયું, વિન્ડિઝનો ભવ્ય વિજય

શાઈ હોપે શાનદાર ૧૨૦ રન ફટકાર્યા હતા
ત્રીજી વન-ડેમાં પાકિસ્તાનને ૨૦૨ રનના વિશાળ માર્જીનથી હરાવી વિન્ડિઝે ૨-૧થી સિરીઝ જીતી
તરૌબા (ત્રિનિદાદ),કેપ્ટન શાઈ હોપની શાનદાર સદી અને ત્યાર બાદ ઝડપી બોલર જેયડન સિએલ્સે વેધક બોલિંગ કરીને છ વિકેટ ખેરવી દેતાં વેસ્ટ ઇન્ડિઝે અહીં રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં પાકિસ્તાન સામે ૨૦૨ રનના વિશાળ માર્જીનથી વિજય હાંસલ કરીને ત્રણ મેચની વન-ડે સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. પાકિસ્તાની ટીમ માત્ર ૯૨ રન કરી શકી હતી.વેસ્ટ ઇન્ડિઝનો સુવર્ણ કાળ ચાલતો હતો ત્યારે ૧૯૯૧માં તેમણે પાકિસ્તાન સામેની દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતી હતી. આમ ૩૪ વર્ષના લાંબા ગાળા બાદ કેરેબિયન ટીમે પાકિસ્તાન સામે સિરીઝ જીતી છે.
આ ઉપરાંત શાઈ હોપની ટીમે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેની ટી૨૦ સિરીઝમાં પરાજયની હારમાળા બાદ વિજય હાંસલ કર્યાે છે.પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઇન્ડિઝે ૫૦ ઓવરમાં છ વિકેટે ૨૯૪ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેની સામે પાકિસ્તાન માત્ર ૯૨ રન કરી શક્યું હતું અને તેની ઇનિંગ્સ માંડ ૨૯.૪ ઓવર ચાલી હતી.શાઈ હોપે શાનદાર ૧૨૦ રન ફટકાર્યા હતા અને ત્યાર બાદ ઝડપી બોલર જેયડન સિએલ્સે માત્ર ૧૮ રન આપીને છ વિકેટ ઝડપી લીધી હતી. હોપને મેન ઓફ ધ મેચ અને સિએલ્સને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
મેચ બાદ શાઈ હોપે જણાવ્યું હતું કે ક્રિકેટમાં અમારા માટે બધું નકારાત્મક રહ્યું હતું ત્યારે ટીમ પર ભારે દબાણ હતું પરંતુ હવે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ માટે આ સકારાત્મક બાબત બની છે. મને મારી ટીમ પર ગૌરવ છે.હજી તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના પતન અંગે બે દિવસની તાકીદની બેઠક યોજાઈ હતી જેમાં શાઈ હોપ પણ હાજર હતો. આ બેઠકમાં મહાન ક્રિકેટર ક્લાઇવ લોઇડ અને બ્રાયન લારા પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેરેબિયન ક્રિકેટને ઇન્ટરનેશનલ લેવલ પર પરત લાવવા માટે મંત્રણા થઈ હતી.
વેસ્ટ ઇન્ડિઝ માટે ત્રીજી મેચમાં કેપ્ટન શાઈ હોપે આક્રમક બેટિંગ કરીને ૯૪ બોલમાં પાંચ સિક્સર અને દસ ચોગ્ગા સાથે અણનમ ૧૨૫ રન ફટકાર્યા હતા તો ઓપનર એવિન લેવિસે ૩૭, રોસ્ટન ચેઝે ૩૬ અને જસ્ટિન ગ્રિવ્સે અણનમ ૪૩ રન ફટકાર્યા હતા. હોપ અને ગ્રિવ્સે મળીને છઠ્ઠી વિકેટ માટે માત્ર ૪૯ બોલમાં ૧૧૦ રનની ભાગીદારી પણ નોંધાવી હતી. તેણે ૨૪ બોલની ઇનિંગ્સમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.પાકિસ્તાને ઇનિંગ્સના પ્રારંભથી જ વિકેટો ગુમાવી હતી.
તેના પાંચ બેટર શૂન્ય પર આઉટ થયા હતા. જેમાં ઓપનર્સ સઈમ અયૂબ અને અબ્દુલ્લાહ શફીકનો પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત બાબર આઝમ નવ, કેપ્ટન મોહમ્મદ રિઝવાન શૂન્ય રન આઉટ થયા હતા. ટીમ માટે સલમાન આગાએ સૌથી વધુ ૩૦ અને મોહમ્મદ નવાઝે ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાનની છેલ્લી ત્રણ વિકેટ ૯૨ રનના સ્કોર પર જ પડી ગઈ હતી.વેસ્ટ ઇન્ડિઝ માટે જયડન સિએલ્સે ૭.૨ ઓવરમાં માત્ર ૧૮ રન આપીને છ વિકેટ લીધી હતી તો ગુડાકેશ મોતીએ બે વિકેટ લીધી હતી.ss1