Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કારથી સન્માનિત થતા આચાર્ય લોકેશજીને કર્ણાટકના રાજ્યપાલે શુભેચ્છા પાઠવી

Ø શ્રી શ્રી રવિશંકરજીએ શાલ ઓઢાડીને આચાર્ય લોકેશજીને સન્માનિત કર્યા

Ø પરમાણુ નિશસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટે રાષ્ટ્રપ્રમુખો અને આધ્યાત્મિક ગુરુ એકસાથે બેઠા – આચાર્ય લોકેશજી

વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજી લંડનમાં યોજાયેલા “પરમાણુ નિશસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટેના આંતરરાષ્ટ્રીય માર્ચ” દરમિયાન પ્રતિષ્ઠિત “આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર”થી સન્માનિત થયા બાદ બેંગ્લોર પહોંચતા કર્ણાટકના રાજ્યપાલ માન. શ્રી થાવરચંદ ગેહલોત તથા આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીએ તેમનું સ્વાગત કરી હાર્દિક શુભેચ્છા પાઠવી.

કર્ણાટકના રાજ્યપાલ માન. શ્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું કે, વિશ્વ શાંતિદૂત આચાર્ય લોકેશજીએ લંડનમાં “આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર” પ્રાપ્ત કરીને ભારતનું ગૌરવ વધાર્યું છે. આચાર્ય લોકેશજીએ વિશ્વ શાંતિ, અહિંસા અને અંતરધાર્મિક સૌહાર્દ માટે નોંધપાત્ર પ્રયત્નો કર્યા છે. ભારતીય સંતો અને આધ્યાત્મિક ગુરુઓએ તપ, પ્રાચીન જ્ઞાન, અહિંસા, વૈશ્વિક પ્રેમ અને એકતા જેવા સિદ્ધાંતો દ્વારા વિશ્વ શાંતિની સ્થાપના માટે સદૈવ પ્રયત્નશીલ રહ્યા છે.

આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીએ જણાવ્યું કે આચાર્ય લોકેશજી વિશ્વ જનમાનસ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમણે ધર્મને આધ્યાત્મ અને સમાજસેવા સાથે જોડીને માનવ કલ્યાણ માટે અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુરુગ્રામમાં સ્થાપિત વિશ્વ શાંતિ કેન્દ્રના માધ્યમથી તેમના પ્રયત્નોમાં અમારો સહયોગ સદૈવ રહેશે. પરમાણુ નિશસ્ત્રીકરણ એક મોટી પડકારરૂપ બાબત છે, જેના માટે વૈશ્વિક સ્તરે મજબૂત પ્રયાસો કરવાના રહેશે.

વિશ્વ શાંતિદૂત આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી તાજેતરમાં જ વિવિધ દેશોમાં માનવતા અને આધ્યાત્મિક સંદેશ આપીને ભારત પરત ફર્યા છે. તેમણે તણાવમુક્ત અને હિંસામુક્ત સમાજની સ્થાપના માટે અદ્વિતીય વિશ્વવ્યાપી આંદોલન ચલાવ્યું છે.

દેશના આશીર્વાદ સાથે અમે વધુ ઊર્જાથી વિશ્વને પરમાણુ હથિયારો, યુદ્ધ અને હિંસાથી મુક્ત કરવા માટે વિશ્વ શાંતિ કેન્દ્રના માધ્યમથી પ્રયત્ન કરીશું. આચાર્ય લોકેશજીએ કહ્યું કે પરમાણુ નિશસ્ત્રીકરણ અને શાંતિપૂર્ણ વિશ્વ માટે રાષ્ટ્રપ્રમુખો અને આધ્યાત્મિક ગુરુઓએ એકસાથે બેસીને ચર્ચા કરવી જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.