Western Times News

Gujarati News

ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર

અમદાવાદ, ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૨મા જન્મોત્સવની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના મુખ્ય કૃષ્ણ મંદિરો જેવા કે દેવભૂમી દ્વારકાના જગત મંદિર, ડાકોરના રણછોડરાયજી મંદિર અને શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ યોજાયો છે.

ગુજરાત સહિત દેશભરના શ્રી કૃષ્ણ મંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્‌યા છે. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ અને ‘હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.

દ્વારકામાં જન્માષ્ટમીના પાવન અવસરે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. ભક્તોએ દ્વારકાધીશજીના ખુલ્લા મંચ પર સ્નાન અભિષેકના દર્શનનો લ્હાવો લીધો હતો. મંદિરમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ જામી હતી. ભક્તિમય માહોલમાં ગરબાની રમઝટ પણ જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને દર્શન માટેની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં કાળિયા ઠાકરને વિશેષ અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને ૪ કરોડના મુગટ સહિત ૧૫ કિલો સોનાના આભૂષણો અર્પણ કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં યુવાનોએ મટકીફોડનો કાર્યક્રમ યોજી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, શામળાજી અને ડાકોર સહિત મંદિરોમાં શ્રીકષ્ણ જન્મોત્સવ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ મંદિરોમાં રાત્રે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભારે આનંદોલ્લાસથી ઊજવાયો હતો. સવારથી દ્વારકા, ટાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્‌યા છે. ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૨મા જન્મોત્સવની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી થઈ હતી.

વહેલી સવારથી જ ગુજરાતના સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો, ખાસ કરીને દ્વારકા, ડાકોર અને શામળાજી, ભક્તિના રંગે રંગાઈ ગયા છે. મંદિરોમાં ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના નાદ ગુંજી રહ્યા છે, અને ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્‌યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.