Western Times News

Gujarati News

બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક કાર ભડથુંઃ 8 નાં મોત

અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અથડાયા બાદ તરત જ તેમાં આગ લાગી ગઈ.-લખતર-વઢવાણ વચ્ચે ગમખ્વાર અકસ્માત

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર-વઢવાણ હાઈવે પર કુમાર ગામ નજીક એક અત્યંત કરૂણ અને કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર સામસામે ધડાકાભેર ટકરાતાં એક કારમાં આગ લાગી હતી.

આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના ૮ સભ્યોના જીવતા ભડથું થઈ જવાથી કરુણ મોત નિપજ્યા હતા. તેમજ ૨ લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. મૃતકોમાં એક પુરૂષ, ચાર મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.

આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અથડાયા બાદ તરત જ તેમાં આગ લાગી ગઈ. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો.

પરિણામે તેઓ કારમાં જ જીવતા સળગી ગયા હતા. મૃતદેહો એટલા બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ તમામ મૃતકો એક જ પરિવારના સભ્યો હતા.

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ એક કલાકની મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યાર બાદ પોલીસની ટીમ અને ૧૦૮ની ટીમે મળીને બળેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનાને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો.

માહિતી મુજબ, કડું ગામથી એક પરિવાર પોતાના વાહનમાં સુરેન્દ્રનગર આવી રહ્યા હતા. તે દરમિયાન વઢવાણ-લખતર રોડ પર ઝમર અને દેદાદરા ગામની વચ્ચે બે કાર વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ બાદ એક કાર રોડની સાઈડમાં ખાબકી ગઈ અને થોડા જ ક્ષણોમાં કારમાં આગ લાગી ગઈ. આગ એટલી ઝડપથી ફાટી નીકળી કે અંદર બેઠેલા લોકોને બહાર નીકળવાનો મોકો જ ના મળ્યો.

આ દુર્ઘટનામાં કૈલાશબા જગદીશસિંહ જામસિંહ ચુડાસમા (ઉં.વ. ૬૦, રહે. ભાવનગર), પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. ૩૫, રહે. ભાવનગર), રીદ્ધિબા પ્રતિપાલસિંહ જગદીશસિંહ ચુડાસમા (ઉં.વ. ૩૨, રહે. ભાવનગર), દિવ્યશ્રીબા પ્રતિપાલસિંહ ચુડાસમા (ઉં. ૧૦ મહિના, રહે. ભાવનગર), નીતાબા ભગીરથસિંહ જાડેજા (ઉં.વ. ૫૮, રહે. જામનગર), રાજેશ્વરીબા નરેન્દ્રસિંહ સતુભા રાણા (ઉં.વ. ૫૨, રહે. લખતર), મીનાબા વિરેન્દ્રસિંદ સતુભા રાણા (ઉં.વ. ૪૯, રહે. લખતર) દિવ્યાબા હરદેવસિંહ જાડેજા (ઉ.વ. ૩૫, રહે. ગાંધીધામ-કચ્છ)ના મૃત્યુ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.