વ્હેલની ઉલટીના વેચાણ માટે ગ્રાહક શોધતા બે આરોપી ઝડપાયા

આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત ૧થી ૨ કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે.
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ)ના વેચાણની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ સરખેજ-સાણંદ હાઇવે પર ગીબપુરા ગામ નજીકથી સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી એટલે કે ૨.૯૭ કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે બે શખસની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના સરખેજ-સાણંદ હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે એમ્બરગ્રીસનું વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધ કરી રહેલા ભાવનગરના યોગેશ મકવાણા (ઉં.વ. ૩૦) અને અમદાવાદના પિન્ટુ પટેલ (ઉં.વ. ૩૭)ને ઝડપી પાડ્યા હતા.
જેમાં આરોપી પાસે ૨.૯૭ કરોડની કિંમતની વ્હેલની ઉલટી એટલે કે એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે શંકાસ્પદ બંને શખ્સોની પૂછપરછ કરતાં આરોપીએ જણાવ્યું હતું કે, ભાવનગરના ભરતભાઈ વલ્લભભાઈ સરવૈયા પાસેથી એમ્બરગ્રીસનો જથ્થો મેળવ્યો હતો અને તેનું વેચાણ કરવા માટે ગ્રાહક શોધી રહ્યા હતા.
આ પદાર્થને વ્હેલની ઉલટી કહેવામાં આવે છે પરંતુ આ સાચુ નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં ‘ગ્રે અંબર’ થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલટી કહેવામાં આવે છે.
આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિંમત ૧થી ૨ કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. તેની કિંમત તેની શુદ્ધતા અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જાણકારો જણાવે છે કે, આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે તેથી તેની કિંમત ખૂબ જ ઊંચી છે. પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ પર્ફ્યમ બનાવવામાં કરવામાં આવે છે. જો કે પહેલા તેનો ઉપયોગ ખાવામાં, તમ્બાકૂ અને આલ્કોહોલમાં ફ્લેનર માટે પણ કરવામાં આવતો હતો. એક ધારણા એ પણ છે કે એમ્બરગ્રીસ જાતીય શક્તિ વધારે છે.