ભારત અને ચીન નજીક આવી રહ્યા હોવાથી વાંગ યી અને ડોભાલની મુલાકાત પર સૌની નજર

પીએમ મોદીની ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રી આવશે ભારત
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારે ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વાંગ યી અને એનએસએ અજીત ડોભાલ વચ્ચે બેઠક યોજાવાની છે, જેમાં બંને દેશો વચ્ચે સરહદ પર સ્થાયી શાંતિ માટે ચર્ચા થવાની સંભાવના છે.
એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ભારે ટેરિફ ઝિંકી સંબંધો બગાડી રહ્યા છે, તો બીજી તરફ ભારત અને ચીન નજીક આવી રહ્યા હોવાથી વાંગ યી અને ડોભાલની મુલાકાત પર સૌની નજર છે. National Security Advisor Ajit Dobhal and Chinese Foreign Minister Wang Yi discussed the border disputes between China and India.
ચીનમાં ૩૧ ઓગસ્ટથી શાંઘાઈ સહકાર સંગઠન શિખર સંમેલન યોજાવાનું છે, જેના માટે ચીનની શી જિનપિંગ સરકારે પીએમ મોદીના સ્વાગત માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બીજીતરફ ભારતમાં વાંગ યી અને ડોભાલ વચ્ચે મહત્ત્વની બેઠક યોજાવાની છે, ત્યારે આ મુલાકાતો બંને દેશોના સંબંધો ફરી સુધારવાના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહી છે. ભારત-ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં ઘર્ષણ થયા બાદ બંને દેશોના સંબંધો ખરાબ થઈ ગયા હતા.
આ મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની માનવામાં આવી રહી છે, કારણ કે, અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ૫૦ ટકા ટેરિફ ઝિંકતા ભારત-અમેરિકા વચ્ચે સંબંધોમાં તણાવ ઉભો થયો છે. અજિત ડોભાલ ગત વર્ષે ચીનની મુલાકાતે ગયા હતા અને વાંગ યી સાથે સરહદ વિવાદ મુદ્દે ચર્ચા કરી હતી. આ વર્ષની શરૂઆતમાં ડોભાલ, વિદેશમંત્રી એસ.જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ એસસીઓ બેઠક માટે ચીન ગયા હતા.