Western Times News

Gujarati News

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંતે એક મારવાડી પરિવારની એન્ટ્રી થશે

મુંબઈ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ટીવીના સૌથી લાંબા ચાલનારા શોમાંનો એક છે, આ શોએ તાજેતરમાં જ ૧૭ વર્ષ પૂરા કર્યા છે. સાથે જ છેલ્લાં થોડા વખતથી આ શો ટીઆરપીમાં પણ ઘણો આગળ વધી ગયો છે.

૧૭ વર્ષે પણ આ શો ટીઆરપીમાં એકથી પાંચ નંબરમાં રહે છે. આ શોની ૧૭ વર્ષની ઉજવણી દરમિયાન પણ પ્રોડ્યુસર આસિત મોદીએ જણાવ્યું હતું કે તેઓ ગોકુલધામ સોસાયટીમાં નવો પરિવાર લાવવા જઈ રહ્યા છે. હવે લાગે છે કે એ ક્ષણ આવી ગઈ છે.

ભલે દયાભાભી પાછા આવે કે ન આવે, પોપટલાલના લગ્ન થાય કે ન થાય પણ નવો પરિવાર હવે આ શોમાં આવી રહ્યો છે અને તેમનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. તેમના શૂટની તસવીરો સાથેના કેટલાક અહેવાલો પણ આવવા લાગ્યા છે. હાલ તેમનું શૂટિંગ પૂર જોશમાં ચાલી રહ્યું છે, નવા પરિવારની આ શોમાં શાહી એન્ટ્રી થવાની છે. ત્યારે હવે શોમાં નવો પરિવાર નવી ધમાલ અને નવી રમુજ લઇને આવશે.

તેથી આ શોમાં હવે એક નવો વળાંક આવશે. ડિજિટલ અહેવાલો પર વાયરલ થયેલી તસવીરોમાં સોસાયટી કમ્પાઉન્ડમાં શૂટ ચાલતું હોય એવું લાગે છે અને તેમાં કાસ્ટ અને ક્‰ બધા જ હાજર છે. કમ્પાઉન્ડની વચ્ચે એક મહિલા ઉભી છે, જેણે પીળા કલરના સલવાર કમીઝ પહેર્યાં છે અને માથે ઓઢ્યું છે. જેમાં તેમને સીન સમજાવામાં આવતો હોય એવું દેખાય છે.

અન્ય એક તસવીરમાં સોસાયટી કમ્પાઉન્ડમાં રાજસ્થાની સ્ટાઇલમાં સજાવેલા બે ઉંટ પણ દેખાય છે. પીળા સલવાર કમીઝમાં મહિલા આ ઉંટ પર બેસેલાં દેખાય છે.

તેમજ એક પુરુષ બ્લૂ કલરના કપડાંમાં દેખાય છે. તેથી મિની ભારત કહેવાતા ગોકુલધામમાં હવે દેશની એક નવી ફ્લેવર પણ ઉમેરાશે. જો આ ઝલકને આગળ વધતી જોઈએ તો હવે ગોકુલધામમાં નવા પરિવારની એન્ટ્રી નિશ્ચિત છે.

ગોકુલધામના અન્ય ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી અને તમિલ સભ્યોની જેમ હવે એક રાજસ્થાની પરિવાર પણ ઉમેરાશે. તો હવે આ શોના લોકપ્રિય પાત્રોમાં કયા નવા પાત્રો ઉમેરાશે, તે જોવામાં દેશભરના દર્શકોને રસ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.