Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા

શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પૌરાણિક શિવ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન-પૂજનના ઉપક્રમમાં સોમનાથ દાદાના દર્શને શ્રી ભૂપેન્દ્ર પટેલ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના ભૂલકાઓ માટે લાડુના દૈનિક પોષણ પ્રસાદ વિતરણનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

સોમનાથ ટ્રસ્ટ અંદાજે ૧ કરોડના ખર્ચે લાડુ પ્રસાદના  રૂપમાં ૨૮ ટન પોષણયુક્ત આહાર બાળકોને અપાશે

આગામી એક વર્ષમાં ૭ લાખ લાડુ વિતરણ પ્રત્યેક લાડુ પ્રસાદ પેકિંગ ઇકોફ્રેન્ડલી મટીરીયલથી કરાય છે

વડાપ્રધાનશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  આપેલા “પોષણ ભી પઢાઈ ભી” મંત્રને સોમનાથ મંદિર ટ્રસ્ટે સાકાર કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પૌરાણિક શિવ મંદિરોના દર્શન-પૂજનનો ઉપક્રમ શ્રદ્ધાપૂર્વક પ્રયોજયો છે. તદઅનુસાર, શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ, ત્યારબાદ બીજા સોમવારે ભરૂચના કાવી-કંબોઇ ખાતેના સ્તંભેશ્વર મહાદેવ અને ત્રીજા સોમવારે ઐતિહાસિક ધરોહર સમાન વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન-પૂજન તેમણે કર્યા હતા.

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે મુખ્યમંત્રીશ્રી દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન પૂજન માટે પહોંચ્યા હતા અને ભોળાનાથના ચરણોમાં શિશ ઝુકાવીને શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને સૌના મંગલની તથા રાજ્ય-રાષ્ટ્રની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટેના લાડુપોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો હતો.

વડાપ્રધાનશ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “પોષણ ભી પઢાઈ ભી”નો મંત્ર આપીને ભૂલકાઓના અભ્યાસ સાથે પોષણની પણ ચિંતા કરી છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ અભિગમને આગળ ધપાવતા આગામી એક વર્ષ માટે ગીર સોમનાથ જિલ્લામાં ૭ લાખ લાડુ પ્રસાદ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. અંદાજે ૧ કરોડ રૂપિયાના ખર્ચે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ ૨૮ ટન લાડુનો પોષણક્ષમ આહાર આંગણવાડીના બાળકો સુધી પહોંચાડશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવેલા આ દૈનિક પોષણ પ્રસાદ વિતરણમાં આપવામાં આવનારા લાડુના પેકિંગ માટે સોમનાથ ટ્રસ્ટે માનવ હસ્તક્ષેપ વિનાનું ઓટોમેટીક પેકેજીંગ મશીન વિકસાવ્યું છે. આ મશીનના ઉપયોગથી એર ટાઈટ રીતે અને સંપૂર્ણ સ્વચ્છતા સાથે લાડુ પેક કરવામાં આવે છે.

એટલું જ નહીંપર્યાવરણ જાળવણીના વડાપ્રધાનશ્રીના સંકલ્પને અનુરૂપ આ લાડુના પેકિંગમાં બાયોડીગ્રેડેબલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવેલો છે. સોમનાથ દાદાના પોષણ પ્રસાદનું વિતરણ આગામી એક વર્ષ સુધી અવિરત કરવાનું આયોજન પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ સામાજિક સેવાની પરંપરા પણ નિભાવતું આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કેરીની સિઝનમાં “કેરી મનોરથ” યોજીને જિલ્લાની આંગણવાડીના બાળકોને અંદાજિત ૨૫૦૦ કિલો કેરીનું વિતરણ કરવામાં આવે છે. થોડા સમય પહેલાં જ કચ્છની મીઠી મધુરી ખારેકનો સોમનાથ દાદાને મનોરથ કરીને ૧૫૦૦ કિલો ખારેક આંગણવાડીમાં વિતરણ કરવામાં આવી હતી. વિશેષ રૂપે ગીર સોમનાથની આંગણવાડીઓમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા દૈનિક ૫૦ ગ્રામ મગફળી અને ગોળની ચિક્કી પોષણ આહાર સ્વરૂપે એક વર્ષ સુધી વિતરણ કરવામાં આવી હતી.

“સૌના નાથ સોમનાથ” એ ધ્યેય સાથે સમાજના દરેક વર્ગને સ્પર્શતી સેવાઓ સોમનાથ ટ્રસ્ટ પુરી પાડતું આવ્યું છે. સોમનાથ મહાદેવને અર્પિત થતા પીતાંબર તથા માતા પાર્વતીને અર્પિત થતી સાડીઓ વસ્ત્રપ્રસાદ સ્વરૂપે છેલ્લા બે વર્ષમાં ૧૭,૦૦૦થી વધુ જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવી છે.

દર મહિને દાંત રોગ નિદાન કેમ્પકૃત્રિમ અંગ વિતરણફિઝિયોથેરાપી સેવા, સર્વ રોગ નિદાન કેમ્પની સેવાનો હજારો લોકોને લાભ મળે છે. ટ્રસ્ટની ગીર ગૌશાળામાં ઉત્તમ ગૌવંશનું સંવર્ધન તથા રાજ્યની ગૌશાળાઓમાં નંદી પ્રસાદ આપીને ગુજરાતની ગૌશાળાઓમાં ગીર ગાયોના વંશ સુદ્રઢીકરણનું કાર્ય પણ સોમનાથ ટ્રસ્ટ કરે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં અખંડ સેવાની ધૂણી ચલાવતું શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ ભક્તો માટે સ્વચ્છતાપવિત્રતાસ્વાસ્થ્ય અને સમાનતાનો પર્યાય છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ ટ્રસ્ટની બહુવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પણ જાણકારી મેળવી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે. ડી. પરમાર અને સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રીશ્રીનું સોમનાથ મદિર પરિસરમાં સ્વાગત કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીની સોમનાથ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછાર,  ધારાસભ્ય સર્વે શ્રી પ્રદ્યુમનભાઈ વાજાભગવાનભાઈ બારડકાળુભાઈ રાઠોડવેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાનીકલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયજિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરજિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજાઅગ્રણી શ્રી ઝવેરીભાઇ ઠકરારશ્રી સંજય પરમારપૂર્વ ધારાસભ્ય સર્વ શ્રી જશાભાઈ બારડરાજશીભાઈ જોટવાઅગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયામાનસિંહ પરમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.