રાજ્ય સરકાર દ્વારા રૂ. ૬.૫૫ કરોડ કરતાં વધુના ખર્ચે વિવિધ સ્થળોએ ૭૩ તાલીમ વર્ગોનું કરાયું આયોજન

ગ્રિમકો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં લેધર-રેકઝીન આર્ટિકલ્સ મેકિંગના કુલ ૨ હજારથી વધુ લાભાર્થીઓ તાલીમબદ્ધ
Ø કુલ રૂ. ૭,૫૦૦ સ્ટાઇપેન્ડ, પ્રમાણપત્ર અને સિલાઇ મશીન આપીને તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરાય છે
Ø કુશળ તાલીમાર્થીઓને આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રકટર તરીકે રૂ. ૪૫,૦૦૦ અને ઇન્સ્ટ્રકટર તરીકે રૂ. ૬૦,૦૦૦ વેતન થકી રોજગારીની તક
Ø F.D.D.I. દ્વારા તાલીમાર્થીઓને માસિક રૂ. ૩,૦૦૦ સ્ટાઇપેન્ડ, પુસ્તકો માટે વાર્ષિક રૂ. ૫,૦૦૦ અને કોમ્પ્યુટર માટે રૂ. ૪૫,૦૦૦ સ્કોલરશીપની જોગવાઈ
ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ-ગ્રિમકો દ્વારા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા સ્વરોજગાર ઇચ્છુક ભાઈ-બહેનો માટે લેધર અને રેકઝીન આર્ટિકલ્સ મેકિંગના ત્રણ માસના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગ્રીમકો દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ થી વર્ષ ૨૦૨૪-૨૫ એમ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રૂ. ૬.૫૫ કરોડ કરતાં વધુના ખર્ચે વિવિધ ગ્રામ્ય કક્ષાએ કુલ ૭૩ તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લેધર અને રેકઝીન આર્ટિકલ્સ મેકિંગના કુલ ૨,૦૨૩ લાભાર્થીઓને તાલીમ આપી કૌશલ્યબદ્ધ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કારીગરોને સ્વરોજગાર અને આર્થિક સશક્તિકરણની તકો પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત કુટિર-ગ્રામોદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ગ્રિમકો દ્વારા તાલીમાર્થીઓ પર ભારણ ન પડે તે હેતુથી ત્રિમાસિક તાલીમ દરમિયાન કાચો માલ-સામાન, બેનર્સ અને સ્ટેશનરી કિટ પૂરી પાડવામાં આવે છે. જેમાં ૯૦ ટકા હાજરી ધરાવતાં તાલીમાર્થીઓને રૂ. ૨,૫૦૦ પ્રતિ માસ એમ કુલ રૂ. ૭,૫૦૦ સ્ટાઇપેન્ડ, પ્રમાણપત્ર અને સરકારની મંજૂરી બાદ સિલાઇ મશીન પણ આપવામાં આવે છે.
ગ્રિમકો દ્વારા આયોજિત આ તાલીમ કાર્યક્રમ ગ્રામીણ લાભાર્થીઓને આર્થિક રીતે સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરે છે. તાલીમ દરમિયાન લાભાર્થીઓ બનાવેલી વસ્તુઓનું પોતે વેચાણ કરીને પણ આવક મેળવી શકે છે. જ્યારે તાલીમ વર્ગ પૂર્ણ કરેલ કુશળ અને ઉત્સાહી તાલીમાર્થીઓને નવા તાલીમ વર્ગમાં આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રકટર તરીકે નિમણૂક આપી તેઓને રોજગારી આપવામાં આવે છે,
જેમાં રૂ. ૧૫,૦૦૦ પ્રતિ માસ લેખે ત્રણ માસના તાલીમ કાર્યક્રમ દરમિયાન રૂ. ૪૫,૦૦૦ વેતન આપવામાં આવે છે. તેવી જ રીતે તાલીમ કાર્યક્રમ પૂર્ણ કરી સંપૂર્ણ રીતે સક્ષમ થયા બાદ તેઓને ઇન્સ્ટ્રકટર તરીકે પણ નિમણૂક આપવામાં આવે છે, જેમાં રૂ. ૨૦,૦૦૦ પ્રતિ માસ લેખે ત્રણ માસના રૂ. ૬૦,૦૦૦ વેતન આપવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૮ તાલીમાર્થીઓને આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રકટર અને ૩ જેટલા તાલીમાર્થીઓને ઇન્સ્ટ્રકટર તરીકે નિમણૂક આપી રોજગારી આપવામાં આવી છે.
ગ્રામીણ કારીગરોને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓના ઉત્પાદન માટે વધુ સક્ષમ બનાવવા અને નિવાસ સ્થાન નજીક રોજગારીની તકો પૂરી પાડવાના હેતુસર ચેન્નાઈની સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-CLRIના ઇન્સ્ટ્રકટર્સ દ્વારા લેધર આર્ટિકલ્સ મેકિંગની તાલીમ લાભાર્થીઓના પોતાના રહેઠાણની નજીક જ આપવામાં આવે છે.
આ ઉપરાંત ગ્રિમકોના ઉપક્રમે ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ-F.D.D.I., અંકલેશ્વર ખાતે રેસિડેન્શિયલ તાલીમ વર્ગો યોજાય છે, જેમાં રહેવા-જમવાની સાથે પ્રમાણપત્ર, નોકરીની તકો અને રોજગાર શરૂ કરવા માર્ગદર્શન આપવામાં આવે છે. જે અંતર્ગત F.D.D.I.એ ત્રણ તાલીમાર્થીઓને ચાર વર્ષના રેગ્યુલર ડિગ્રી કોર્ષ માટે પસંદ કરી, રૂ.૩,૦૦૦ માસિક સ્ટાઇપેન્ડ, રૂ. ૫,૦૦૦ વાર્ષિક પુસ્તકો માટે અને રૂ. ૪૫,૦૦૦ કોમ્પ્યુટર માટે સ્કોલરશીપ પણ આપી છે. આમ, F.D.D.I. અને CLRI જેવી સંસ્થાઓ સાથેનો સહયોગ ઉચ્ચ ગુણવત્તાવાળી તાલીમ અને શૈક્ષણિક સહાય પૂરી પાડે છે, જે લાભાર્થીઓની કૌશલ્ય વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લેધર અને રેકઝીન આર્ટિકલ્સ મેકિંગની ત્રણ માસની તાલીમ માટે ગ્રિમકો દ્વારા વિવિધ ગામડાઓમાં સર્વે કરી, ૧૮ થી ૪૫ વર્ષની વયના ઇચ્છુક ઉમેદવારો સાથે બેઠક યોજી તાલીમ વિશે માહિતી આપવામાં આવે છે.
આ ઉપરાંત ગ્રિમકો દ્વારા લાભાર્થીઓને જરૂરી સાધન સહાય ટૂલકિટ પૂરી પાડવી, સરસ્વતી સાધના યોજના અને વિદ્યા સાધના યોજના અંતર્ગત સાયકલો પૂરી પાડવી, સરકારી કચેરીઓનું આંતરિક સુશોભન-નવિનીકરણ કરવું, ગ્રામીણ કારીગરોને તેમના નિવાસ સ્થાન નજીક રોજગાર પૂરો પાડવા સક્ષમ બને તે માટે લેધર-રેકઝીન આર્ટિકલ્સ મેકિંગની તાલીમ આપવી જેવા વિવિધ કાર્યો પણ કરવામાં આવે છે.