Western Times News

Gujarati News

અમદાવાદ સ્કૂલ બોર્ડની શતાબ્દી ઉજવણી : ‘100 શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ’નું  સન્માન થશે

અમદાવાદ સ્કૂલ બોર્ડ દ્વારા ‘એલ્યુમની કનેક્ટ સ્કીમ’ લોન્ચ –IIT ગાંધીનગરના સહયોગથી મ્યુનિસિપલ શાળાના તમામ શિક્ષકોને ૩૦ કલાકની CPD (Continuous Professional Development) તાલીમ અપાશે

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને પદાધિકારીઓના માર્ગદર્શનમાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે સ્કૂલ બોર્ડ દ્વારા ‘ ૧૦૦ શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ’ ની પસંદગી કરીને શાળા પરિવારને જાહેર કાર્યક્રમમાં સન્માનિત કરાશે. આ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલને આગળ ધપાવતાં નવા પ્રયોગરૂપે આઈ.આઈ.ટી. ગાંધીનગર સાથેના સહયોગથી તાલીમ કાર્યક્રમો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જોડતી “એલ્યુમની કનેક્ટ સ્કીમ” જેવી યોજનાઓ પણ આ શતાબ્દી ઉજવણીનો ભાગ બનશે.

આ અંગે વાત કરતાં શાસનાધિકારી શ્રી ડૉ. એલ.ડી.દેસાઇએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અમલમાં મૂકવામાં આવી છે, જેને ૨૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ફલશ્રુતિના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ દ્વારા આઈ.આઇ.ટી. ગાંધીનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના સહયોગથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં સૂચવ્યા મુજબ વિદ્યાર્થીને શીખવાની પૂરતી તકો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે મ્યુનિ. શાળાના તમામ શિક્ષકોને ૩૦ કલાકની CPD (Continues Professional Development)  તાલીમ આપવાનું આયોજન હાથ ધર્યું છે.

આ ઉપરાંત, ૪૫૩ મ્યુનિ. શાળાઓમાં વર્કશોપ આયોજિત કરીને ૫૨૦૨ શિક્ષકો અને ૧,૭૧,૭૮૫ વિદ્યાર્થીઓને  STEM (Science, Technology, Engineering, Mathematics) પર આધારિત વિવિધ પ્રયોગો કરાવવામાં આવશે. આઈ.આઈ.ટી ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ ૬૦ શાળાઓના ૨૫,૦૦૦ વિદ્યાર્થીઓને આઈ.આઈ.ટી ગાંધીનગર ખાતે વિઝિટ પણ કરાવવામાં આવશે.

શાસનાધિકારીશ્રીએ વધુમાં ઉમેર્યું કે સ્કૂલ બોર્ડનાં ૧૦૦ વર્ષના ગૌરવશાળી ઈતિહાસ દરમ્યાન અનેક વિદ્યાર્થી અભ્યાસ કરી ગયા છે તે પૈકી અનેક વિદ્યાર્થીઓ હાલમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મ્યુનિ. શાળાઓ સાથે જોડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શનમાં “ALUMNI CONNECT SCHEME” લોન્ચ કરવામાં આવી છે.  જે અંતર્ગત મ્યુનિ. શાળાના એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ હાલ રાજકીય, સામાજિકક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરતાં હોય તદઉપરાંત IAS, IPS, IFS, IRS, ડૉક્ટર, ઈજનેર, વકીલ, ન્યાયાધીશ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિક્ષક જેવા પ્રતિષ્ઠિત વ્યવસાયમાં કામ કરી મ્યુનિ. સ્કૂલ બોર્ડનું ગૌરવ વધાર્યું હોય, તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થી મ્યુનિ. શાળામાં જેટલું અનુદાન આપે, તેટલી રકમ અ.મ્યુ.કો. દ્વારા સ્કૂલ બોર્ડ મારફતે જે તે મ્યુનિ. શાળાને આપવામાં આવશે.

જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઇ મહેતાએ કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા બદલ  ‘૧૦૦ શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ’નું પણ સન્માન કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ૧૦૦ વર્ષથી અમદાવાદ મહાનગરનાં બાળકોને કેળવવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

શતાબ્દી મહોત્સવના આ સુંદર અવસરે આવા ભગીરથ કાર્ય બદલ સ્કૂલ બોર્ડ અમદાવાદના હૃદયસમા શાળા પરિવારનું સન્માન કરીને સાચા અર્થમાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, હાલની ૪૫૩ શાળાઓમાંથી “શ્રેષ્ઠ ૧૦૦ શતાબ્દી અનુપમ શાળાઓ”ને પસંદ કરીને તેના સમગ્ર શાળા પરિવારને જાહેર કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ શાળાઓનું ત્રણ ભાગમાં મૂલ્યાંકન કરવામાં આવશે. જેમાં ભાગ ૧માં  પ્રથમ સત્રાંત પરીક્ષા માટેના અભ્યાસક્રમ આધારિત સાક્ષરી વિષયોનું મૂલ્યાંકન કરાશે, જેના ૬૦ ગુણ રહશે.  તમામ ૪૫૨ શાળાઓમાં ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા પૂર્વે શાળાકીય સાક્ષરી વિષયોના મૂલ્યાંકન માટે ધોરણ અને વિષયવાર નીચે મુજબના ગુણભાર મુજબ બહુ વિકલ્પો (MCQ) આધારિત OMR ટેસ્ટ લેવામાં આવશે.

સાક્ષરી મૂલ્યાંકનના આધારે બાલવાટિકાથી ધોરણ ૫ની શાળાને કુલ ૩૦૦ ગુણમાંથી, ધોરણ ૬ થી ૮ની શાળાને ૩૦૦ ગુણમાંથી, જ્યારે બાલવાટિકાથી ધો-૮ની શાળાને કુલ ૬૦૦ ગુણમાંથી ગુણાંકન આપવામાં આવશે. કેટેગરીવાઇઝ શાળાઓએ મેળવેલા સાક્ષરી વિષયોના ગુણાંકનને કુલ ગુણાંકનના ૬૦ ટકા વેઇટેજ આપવામાં આવશે.

આ ઉપરાંત, ભાગ-૨માં  ભૌતિક સંસાધનો, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ તથા શાળાકીય વ્યવસ્થાપન અને સંચાલન  આધારિત મૂલ્યાંકન થશે, જેના ૩૫ ગુણ રહેશે.  આ તબક્કાના  મૂલ્યાંકનમાં શાળાઓનું ૨૦ જેટલાં મુખ્યક્ષેત્રોના ૬૪ જેટલા સૂચકાંક (ઇન્ડિકેટર્સ)ના આધારે ગુણાંકન કરવામાં આવશે.

જ્યારે ભાગ ૩માં શતાબ્દી અનુપમ શાળાઓના ભાગ એક અને ભાગ બેના મૂલ્યાંકન પહેલાં સમગ્ર પ્રથમ સત્ર દરમિયાન શાળાનું વાતાવરણ, શાળાની સ્વયંશિસ્ત, શાળાની નિયમિતતા, સ્વચ્છતા, વ્યવસ્થાપન અને સંચાલન વગેરે જેવા વિષયોનું વિહંગાવલોકન સ્વરૂપે આકલન વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિ દ્વારા આકસ્મિક કરાવવામાં આવશે. આ પ્રમાણેના  નિરીક્ષણને અંતે પ્રત્યેક શાળાને ૫૦માંથી ગુણાંકન આપવામાં આવશે. જેને આખરી ગુણાંકનમાં ૫ % ગુણભાર તરીકે ગણવામાં આવશે. આમ, “શતાબ્દી અનુપમ શાળાઓ”ની પસંદગીમાં ભાગ-૧નું ગુણાંકન ૬૦ ટકા, ભાગ-૨નું ગુણાંકન ૩૫ ટકા અને ભાગ-૩નું ગુણાંકન ૫ ટકા મળીને કુલ ૧૦૦ ટકામાંથી પ્રથમ ૧૦૦ શાળાઓની પસંદગી ‘ શતાબ્દી અનુપમ શાળા’ઓ તરીકે કરવામાં આવશે.

આ ઉપરાંત, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહ્વાન બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સ્કૂલ બોર્ડનાં કુલ ૧.૭૦ લાખ બાળકોએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. આ વિશેષ પ્રવૃતિને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઇ સેવકે કહ્યું કે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનાં ૧૦૦ વર્ષ માત્ર સંસ્થાનો ઈતિહાસ જ નહીં, પરંતુ અમદાવાદના લાખો વિદ્યાર્થીઓની સફળતા કથાઓનો સાક્ષી છે. આ શતાબ્દી મહોત્સવમાં શ્રેષ્ઠ શાળાઓનું સન્માન કરવું એ ભૂતકાળના ગૌરવને નમન, વર્તમાનના પ્રયત્નોને માન્યતા અને ભવિષ્યના સપનાને પ્રેરણા આપવાનો ઉપક્રમ છે. શિક્ષણના આ ઉજ્જવળ સફરમાં બોર્ડે સ્થાપિત કરેલા નવા માપદંડો નિશ્ચિતપણે “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્ત્વનો ફાળો આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.