થલતેજથી સાઉથ બોપલ અને શીલજથી સનાથલ સુધી મેટ્રો દોડાવવામાં આવશે

અમદાવાદમાં નારોલથી નરોડા મેટ્રો રેલ દોડશે -દિલ્હી મેટ્રો રેલ કંપની જીઓ ટેકનિકલ ટેસ્ટીગ કરી DPR તૈયાર કરશે
થલતેજ ગામથી સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટસ અરેના (સાઉથ બોપલ) અને શીલજથી સનાથળ સુધીના એરિયાને આવરી લેવામાં આવે તે પ્રકારનું આયોજન
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવાના ભાગરૂપે છેલ્લા કેટલાક વર્ષોથી મેટ્રો રેલ કાર્યરત છે મેટ્રો રેલ ફેઝ-૧ માં વસ્ત્રાલથી થલતેજ અને ફેઝ-ર માં એપીએમસીથી મોટેરા સુધી અને ત્યાંથી ગાંધીનગર સુધી ટ્રેન દોડી રહી છે તેમ છતાં શહેરના અનેક વિસ્તારમાં મેટ્રો રેલની જરૂરિયાત ઉદ્ભવી છે તેને ધ્યાનમાં લઈ મેટ્રો રેલ ફેઝ-૩ શરૂ કરવા માટે આયોજન થઈ રહયું છે. જેની કામગીરી દિલ્હી મેટ્રો રેલને સોંપવામાં આવી છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં ફેઝ-૩ ની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે જેમાં એપીએમસીથી નારોલથી નરોડા, થલતેજ ગામથી સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટસ અરેના (સાઉથ બોપલ) અને શીલજથી સનાથળ સુધીના એરિયાને આવરી લેવામાં આવે તે પ્રકારનું આયોજન થઈ રહયું છે.
જીએમઆરસી લિમિટેડ દ્વારા ફેઝ-૩ માટે ડીપીઆર તૈયાર કરવાની કામગીરી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડને સોંપવામાં આવી છે.
જીયો ટેકનીકલ ઈન્વેસ્ટીગેશન અને પાર્ટ ડીપીઆર તૈયાર કરવાની કામગીરી જયપુર સ્થિત ઝ્રઈય્ ટેસ્ટ હાઉસને સોંપવામાં આવી છે. આ ઉપરાંત એન.કે. એન્જીનીયર્સ દિલ્હીને પણ ટોપોગ્રાફી સર્વે અને ડીપીઆર માટે કન્સલટન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ દ્વારા જીયો ટેકનીકલ ઈન્વેસ્ટીગેશન અને ટોપોગ્રાફી સર્વે માટે મ્યુનિ. કોર્પોરેશનને પત્ર લખવામાં આવ્યો છે.
ગુજરાત મેટ્રો રેલ તરફથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને આરટીઓ-જીવરાજ-નારોલ- નરોડા- સિવિલ હોસ્પિટલ તેમજ થલતેજથી સ્પોર્ટસ એરેના અને શીલજથી સનાથળ સુધી મેટ્રો કોરીડોર તૈયાર કરવા માટે જમીન ફાળવવા પત્ર લખવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોનું માનીએ તો ફેઝ-૩ માં જીવરાજથી નરોડા સુધીના કોરીડોર માટે જમીન આપવી ખૂબ જ મુશ્કેલ બની રહેશે.
કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા નારોલથી વિશાલા સર્કલ થઈ ઉજાલા સુધી ફલાયઓવર તૈયાર કરવામાં આવી રહયો છે. આ ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશને પણ નારોલથી નરોડા સુધીના રોડને ડેવલોપ કરવા ર૦રપ-ર૬ ના બજેટમાં જાહેરાત કરી છે. આ ઉપરાંત નારોલથી નરોડા સુધીના રોડ પર અનેક અંડરગ્રાઉન્ડ યુટીલીટી તેમજ જનમાર્ગ કોરીડોર આવેલા છે.
આ રોડ પર માઈક્રો ટર્નલીંગ, જુની મેગા લાઈન, જુની ડ્રેનેજ લાઈન, રાસ્કાની નવી લાઈન તેમજ જુની લાઈન આવેલા છે. આ તમામને શીફટ કરવા ખૂબજ મૂશ્કેલ છે આ ઉપરાંત સીટીએમ જંકશન પર ડબલ ડેકર બ્રીજ પણ બનાવવામાં આવ્યો છે જેના કારણે મેટ્રોને ઉંચાઈ મળવી મુશ્કેલ બની શકે છે તેમ છતાં કેન્દ્ર અને રાજય સરકાર ફેઝ-૩ ની કામગીરી કરવા મક્કમ છે અને મ્યુનિ. કોર્પોરેશન તરફથી જમીન ફાળવ્યા બાદ ટેસ્ટીગના કામ શરૂ કરવામાં આવશે. એક અંદાજ મુજબ જો તમામ કામ નિયત સમયમાં થશે તો ફેઝ-૩ નું કામ ર૦૩૦-૩૧ સુધીમાં પૂર્ણ થઈ જશે.