ચૂંટણી પંચે પછાત વર્ગાેના મતદારોના નામ કમી કર્યાનો અખિલેશનો દાવો

નવી દિલ્હી, કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ મત ચોરીના ગંભીર આક્ષેપો સાથે ચૂંટણી પંચ અને ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર પછાત સમુદાયના મતદારોના નામ કમી કરવાનો અને શાસક ભાજપની તરફેણમાં કામ કરવાનો આક્ષેપ કર્યાે હતો.
સપા સુપ્રીમોએ મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપને ફાયદો પહોંચાડવા માટે મૌર્ય, પાલ, બઘેલ અને રાઠોડ સમુદાયો સહિત અનેક પછાત જૂથોના મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે.
સપાએ અગાઉ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે આ મતો ક્યાંક બીજે ક્યાંક જઈ રહ્યા છે. સપા સુપ્રીમોએ દાવો કર્યાે હતો કે તેમની પાર્ટીએ એવા મતવિસ્તારો ઓળખી કાઢ્યા છે જ્યાં તેઓ ઓછા માર્જિનથી હારી ગયા હતા. તેમણે ઉમેર્યું કે, જો આપણને મતદાર યાદી આપણી માંગણી મુજબના ફોર્મેટમાં મળે તો આપણે આવા વધુ કેસ પૂરા પાડી શકીએ છીએ. ૨૦૧૯માં પડેલા મતો ૨૦૨૨ સુધીમાં કાઢી નાખવામાં આવ્યા હતા.
મતદાર ઓળખ કાર્ડ બનાવવા માટે પણ યોગ્ય પ્રક્રિયા છે, પરંતુ તેની અવગણના કરવામાં આવી રહી છે.આ સાથે જ ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવે નોંધ્યું કે ચૂંટણી પંચે વારંવાર કહ્યું છે કે વિપક્ષી પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો સોગંદનામા દ્વારા રજૂ કરવા જોઈએ.
૨૦૨૨ની ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટીના સમર્થકોના મોટી સંખ્યામાં મત કાઢી નાખવામાં આવ્યા છે, ત્યારે ચૂંટણી પંચે તેમને આ અંગે સ્પષ્ટતા કરવા માટે નોટિસ જારી કરી હતી.
તેના જવાબમાં ચૂંટણી પંચને ૧૮,૦૦૦ સોગંદનામા સબમિટ કરવામાં આવ્યા હતા, જે બધા યોગ્ય રસીદો સાથે હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજ સુધી તે સોગંદનામા પર એક પણ કાર્યવાહી કરવામાં આવી નથી,” તેવો દાવો યાદવે કર્યાે હતો.
કોંગ્રેસે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને લઈને આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આ ચૂંટણી નકલી મતદાર યાદીઓના આધારે યોજાઈ હતી, તેથી તેને નકલી અને ગેરકાયદેસર જાહેર કરવી જોઈએ.
પાર્ટીએ એમ પણ કહ્યું હતું કે જો ચૂંટણી પંચે વિપક્ષી નેતા રાહુલ ગાંધીને તેમના નિવેદન પર તાત્કાલિક નોટિસ મોકલી હતી, તો પછી ભાજપના નેતા અનુરાગ ઠાકુરને હજુ સુધી નોટિસ કેમ મોકલવામાં આવી નથી? જો ભાજપને મતદારોની યાદીનો ઇલેક્ટ્રોનિક ડેટા મળી ગયો છે, તો તેમની પાર્ટીને પણ મળવો જોઈએ, કારણ કે આ ડેટા સાબિત કરશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી લોકસભાની ચૂંટણી હારી રહ્યા હતા અને તેમને બનાવટી મતદારોનો બૂસ્ટર ડોઝ મળ્યો હતો.SS1MS