Western Times News

Gujarati News

બૈરાબી-સૈરાંગ રેલવે લાઇનની સફળતાની સાથે આઈઝોલ રેલવે નેટવર્ક સાથે જોડાયું

કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસાની ભૂમિ મિઝોરમ હવે ભારતીય રેલવેના નકશા પર

આ પરિયોજના હેઠળ 48 સુરંગો (કુલ લંબાઈ : 12,853 મીટર), 55 મોટા પુલો, 87 નાના પુલો, 5 રોડ ઑવર બ્રિજ અને 6 રોડ અન્ડર બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું

Gauhati, પૂર્વોત્તર ભારતનું સુંદર અને સાંસ્કૃતિક દ્રષ્ટીએ સમૃદ્ધ રાજ્ય મિઝોરમ હવે ભારતના રાષ્ટ્રીય રેલવે નકશા પર ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે. “લેન્ડ ઓફ ધ હિલ પીપલ” તરીકે પ્રસિદ્ધ મિઝોરમ, જે મ્યાનમાર, બાંગ્લાદેશ અને ત્રિપુરા, આસામ અને મણિપુર જેવા ભારતીય રાજ્યોની સીમાઓથી ઘેરાયેલું છે, હવે પ્રથમ વાર સીધા રેલવે નેટવર્કથી જોડાઈ ગયું છે. આની રાજધાની આઈઝોલને રાષ્ટ્રીય રેલવે નેટવર્કથી જોડનારી બૈરાબી-સૈરાંગ નવી રેલવે લાઈનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, જે રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસની દિશામાં એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે.

આ મહત્વાકાંક્ષી પરિયોજનાની શરૂઆત 29 નવેમ્બર 2014 ના રોજ થઈ હતી જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બૈરાબીથી સૈરાંગ સુધી નવી રેલવે લાઈનું ઉદઘાટન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું હતું. તેના પછી 27 મે 2016 ના રોજ વડાપ્રધાન દ્વારા બૈરાબી અને સિલચર વચ્ચે પ્રથમ યાત્રી ટ્રેનને વર્ચ્યુઅલી રવાના કરવામાં આવી હતી. 21 માર્ચ 2016 ના રોજ પ્રથમ બ્રૉડ ગેજ માલગાડી બૈરાબી સ્ટેશન પર પહોંચી, જે 42 વેગનોમાં ચોખા લઈને આવી હતી.

આ પછી 1 મે 2025 ના રોજ સૈરાંગ (આઈઝોલ પાસે) સુધી પ્રથમ વાર ટ્રેનનું સફળ ટ્રાયલ રન થયું, જેમાં પૂર્વોત્તર સિમાંત રેલવે (બાંધકામ) ના જનરલ મેનેજર ઉપસ્થિત હતા. આની સાથે જ રેલવે સંરક્ષા કમીશનર (CRS) દ્વારા અંતિમ સેક્શન — હોર્ટોકીથી સૈરાંગનું નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું, જેનાથી 51.38 કિલોમીટર લાંબી આ રેલવે પરિયોજનાનું નિર્માણ કામ પૂર્ણ થયું અને આઈઝોલ પ્રથમ વાર ભારતના રેલવે નેટવર્ક સાથે સીધું જોડઈ ગયું.

આ મિઝોરમને ભારતના એ ચાર પૂર્વોત્તર રાજ્યોની યાદીમાં સામેલ કરે છે, જેમની રાજધાની સીધી રેલવે સાથે જોડાયેલી છે. આ પરિયોજનાની કુલ પ઼ડતર લગભગ ₹8071 કરોડ છે અને આને ચાર સેક્શનમાં પૂર્ણ કરવામાં આવી છે : બૈરાબી-હોર્ટૉકી (16.72 કિ.મી.), હોર્ટૉકી-કાંવપુઈ (9.71 કિ.મી.), કાંવપુઈ-મુઆલખાંગ (12.11 કિ.મી.) અને મુઆલખાંગ-સૈરાંગ (12.84 કિ.મી.). આ પરિયોજના હેઠળ 48 સુરંગો (કુલ લંબાઈ : 12,853 મીટર), 55 મોટા પુલો, 87 નાના પુલો, 5 રોડ ઑવર બ્રિજ અને 6 રોડ અન્ડર બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું છે. આમાંથી પુલ નંબર 196 વિશેષ રૂપે ઉલ્લેખનીય છે, જેની ઊંચાઈ 114 મીટર છે – જે કુતુબ મીનારથી 42 મીટર વધારે છે.

આ પરિયોજનાની એક અનોખી વિશેષતા એ છે કે આમાં મિઝોરમની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સામેલ કરવામાં આવ્યા છે. બૈરાબી-સૈરાંગ રેલવે માર્ગની સુરંગોને મિઝો સંસ્કૃતિને દર્શાવતા સુંદર ભીંતચિત્રોથી શણગારવામાં આવી છે, જેનાથી રેલવે યાત્રા પરિવહનનું માધ્યમ જ નહીં પરંતુ એક સાંસ્કૃતિક અનુભવ બની જાય છે. આ ફક્ત પર્યટનને પ્રોત્સાહન જ નહીં આપે પરંતુ સ્થાનિક કલાને પણ નવી ઓળખ આપશે.

વ્યૂહાત્મક અને આર્થિક દ્રષ્ટીએ આ પરિયોજના પૂર્વોત્તર ક્ષેત્રમાં કનેક્ટિવિટીને મજબૂત બનાવે છે. દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓ અને ટેકનિકલ પડકારોને પાર કરીને આ પરિયોજના ફક્ત માલ અને યાત્રી પરિવહનને જ સુલભ જ નહીં બનાવે, પરંતુ આનાથી પરિવહન પડતરમાં ઘટાડો થશે, પર્યટનને પ્રોત્સાહન મળશે, સ્થાનિક વેપાર અને રોજગારના નવા અવસરો ઉતપન્ન થશે તથા પૂર્વોત્તર રાજ્યો વચ્ચે સંપર્ક અને એકજૂથતાને બળ  મળશે. મિઝોરમ જેવા રાજ્ય માટે આ પરિયોજના વિકાસના દ્વાર ખોલશે અને દેશના મુખ્ય પ્રવાહથી વધુ સશક્ત રૂપે જોડશે.

બૈરાબી-સૈરાંગ રેલવે લાઈન એક પ્રમાણભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજના જ નથી, પરંતુ આ સમાવિષ્ટ વિકાસ, સાંસ્કૃતિક ગર્વ અને  રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. મિઝોરમ હવે રેલવે મારફતે સમગ્ર ભારતનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

આ પરિયોજના હેઠળ ઈલેક્ટ્રિફિકેશનનું કામ પ્રગતિમાં છે અને વહેલાંસર પૂર્ણ થવાની શક્યતા છે. સાથે જ સૈરાંગથી મ્યાનમારની નજીક હિબિચુઆ (Hibichuah) સુધી 223 કિ.મીના સર્વેને મંજૂરી મળી ગઈ છે અને વહેલાંસર સર્વેના કામનો આરંભ થઈ જશે.

બૈરાબી-સૈરાંગ રેલવે લાઈન પરિયોજનાના શરૂ થવાથી આ ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ અને દૂરગામી પ્રભાવ જોવા મળશે. વર્તમાન સમયમાં આ ક્ષેત્ર પાયાની સુવિધાઓની ઉણપ, સંસાધનોની દુર્લભતા અને નબળા રોડ નેટવર્કને કારણે વિકાસથી ઘણું પાછળ રહી ગયું છે. જીવનનિર્વાહની પડતર અહીં અત્યંત વધારે છે કેમ કે જરૂરી વસ્તુઓ અન્ય રાજ્યો અથવા દૂર-સુદૂરના વિસ્તારોથી આયાત કરવી પડે છે, જેનાથી તેમની કિંમતો વધી જાય છે. પરિવહન સાધનોની ઉણપ અને વિષમ ભૂગોળને કારણે સામાન્ય લોકોની દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં કેટલીય મૂશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

બૈરાબી-સૈરાંગ રેલવે પરિયોજના શરૂ થઈ જવાથી આ ક્ષેત્રમાં માલ અને યાત્રી પરિવહન બંનેમાં સુગમતા આવશે. રેલવે માર્ગ દ્વારા સંસાધનની અવરજવર ઝડપી, સુલભ અને સસ્તી થઈ જશે, જેનાથી વસ્તુઓની આપૂર્તિની સાંકળ મજબૂત થશે. પરિણામે, ઉપભોજ્ય વસ્તુઓના ભાવોમાં ઘટાડો થશે અને જીવનનિર્વાહની પડતરમાં ઉલ્લેખનીય ઘટાડો જોવા મળશે. સ્થાનિક વ્યવસાયોને પણ આનો ફાયદો થશે કેમ કે તેઓ હવે બહારના બજારો સુધી પોતાના ઉત્પાદનો સરળતાથી પહોંચાડી શકશે.

આ ઉપરાંત, આ રેલવે લાઈન બૈરાબી થઈને રાજ્યની રાજધાની આઈઝોલ સુધી જનારા પર્યટકો માટે એક નવો અને સુવિધાજનક માર્ગ ઉપલબ્ધ કરાવશે. મિઝોરમનું કુદરતી સૌંદર્ય, સાંસકૃતિક વિવિધતા અને શાંત વાતાવરણ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ આજ સુધી મર્યાદિત કનેક્ટિવિટીને લીધે આ ક્ષેત્રનું પર્યટન સંભાવનાઓને અનુરૂપ વિકસિત થઈ શક્યું નથી. રેલવે સેવા શરૂ થવાથી દેશના અન્ય ભાગોથી આવનારા પર્યટકોની સંખ્યામાં વધારો થશે, જેનાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને નવું પ્રોત્સાહન મળશે અને રોજગારના અવસરો પણ વધશે.

આ ક્ષેત્ર ભારતનું મોખરાનું ક્ષેત્ર છે, જે વ્યૂહાત્મક દ્રષ્ટીએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતીય સેના માટે અહીં ઝડપી પહોંચ એક વ્યૂહાત્મક જરૂરિયાત છે. રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ હોવાથી સૈન્ય દળો અને જરૂરી સામગ્રીને ઝડપી અને પ્રભાવી રીતે સ્થળાંતરિત કરાવી શકાશે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં આ રેલવે માર્ગ એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કુદરતી આફતો વખતે રાહત અને બચાવ કામ પણ વધુ ઝડપથી શક્ય થઈ શકશે.

હવે સ્ટેટ કેપિટલ કનેક્ટિવિટીના કાર્યો સિક્કિમ, ત્રિપુરા, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને આસામ — આ પાંચ રાજ્યોમાં પૂર્ણ થઈ ચુક્યા છે. નાગાલેન્ડ, મણિપુર અને મેઘાલયમાં કાર્યો પ્રગતિ પથ પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.