Western Times News

Gujarati News

ગેમિંગ બિલને મંજૂરીઃ સગીરો માટે ટાઈમ લીમિટ, ખર્ચ મર્યાદા અને પેરન્ટલ કંટ્રોલ અનિવાર્ય

ઓનલાઈન ગેમિંગ બિલને કેબિનેટની મંજૂરી-બિલમાં સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી તેમજ વર્ચ્યુઅલ મની- રિયલ કેશ બેટિંગ પર આધારિત ગેમ્સ પર પ્રતિબંધો લાદવાની જોગવાઈ છે.

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મંગળવારે યોજાયેલી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલમાં ઓનલાઈન ગેમિંગને દંડનીય અપરાધ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. લોકસભામાં બુધવારે આ બિલ રજૂ કરવામાં આવશે.

ઓનલાઈન ગેમિંગ બિલ મારફત ઓનલાઈન ગેમિંગને રેગ્યુલેટ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ પગલાંથી તમામ લિસ્ટેડ અને અન-લિસ્ટેડ કંપનીઓ પર ફોકસ કરતાં ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પારદર્શિતા અને નિયંત્રણ વધશે.

નવા બિલમાં અમુક ઓનલાઈન ગેમ્સને પ્રતિબંધિત કરવાની જોગવાઈઓ સામેલ છે. કુટેવ, નાણાકીય જોખમ અને સામાજિક અસરને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

વધુમાં સ્કિલ આધારિત ગેમ જેમ કે, ચેસ, ક્વિઝ, ઈ-સ્પોટ્‌ર્સે દર્શાવવાનું રહેશે કે, આ ગેમ સ્કિલ આધારિત છે કે, તક આધારિત. દરેક પ્લેટફોર્મ પર કેવાયસી અને ડેટા પ્રોટેક્શન નિયમ લાગુ કરાશે. સગીરો માટે ટાઈમ લીમિટ, ખર્ચ મર્યાદા અને પેરન્ટલ કંટ્રોલ અનિવાર્ય રહેશે. તેમજ સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી બેટિંગ ગેમ્સ પર પ્રતિબંધ લાદવામાં આવશે.

આ બિલનો ઉદ્દેશ ઓનલાઈન ગેમિંગ સેક્ટર માટે નિયમો-કાયદા ઘડવા અને ગ્રાહકોને સુરક્ષિત માહોલ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલ ગેમિંગ કંપનીઓ પર સ્પષ્ટ કાયદા અને નિયમનોનો અભાવ છે. જેના લીધે અનેક વખત ગ્રાહકો શોષણ અને છેતરપિંડીનો ભોગ બને છે.

નવો કાયદો ઘડાયા બાદ ઓનલાઈન ગેમિંગ તેમજ બેટિંગ એપ્સના માધ્યમથી ફ્રોડ કરી રહેલા લોકોથી બચી શકાશે. તેમજ કરોડો યુઝર્સ ધરાવતી ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પારદર્શિતા વધશે.

બિલમાં સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી તેમજ વર્ચ્યુઅલ મની- રિયલ કેશ બેટિંગ પર આધારિત ગેમ્સ પર પ્રતિબંધો લાદવાની જોગવાઈ છે. આ પ્રકારની ગેમ્સથી ખેલાડીઓને ભારે નાણાકીય નુકસાન થઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો મળી છે.

હિંસક તેમજ આપત્તિજનક કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પણ અંકુશ લાદવામાં આવશે. ભારતની ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીની સાઈઝ ૩ અબજ ડોલરથી વધુ છે. નવા કાયદાથી વાસ્તવિક ગેમિંગ કંપનીઓને લાભ મળશે. તેમજ વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે. બિલ મંજૂર થયા બાદ ગેમિંગ ઈન્ડસ્ટ્રી એક કાયદાકીય માળખામાં કામ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.