ચાઈનીઝ ગેંગ ગુજરાતીઓને વિદેશમાં નોકરીની લાલચ આપી ફસાવી રહી છે?

અભિષેકસિંગ નામનો આરોપી દુબઈમાં બેઠા બેઠા ચાઇનીઝ ગેંગ સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતો હતો.
થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં ગુજરાતીઓ મ્યાનમારમાં ફસાયા-ચાઈનીઝ ગેંગનો પણ હાથ હોવાની આશંકા
ગાંધીનગર, બેંગકોકમાં આઇટી કંપનીમાં નોકરીની લાલચ આપીને થાઇલેન્ડમાં ટુરિસ્ટ વીઝાના આધારે બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં લઈ જઈને ત્યાં કાલ સેન્ટર દ્વારા સાયબર ક્રાઇમ કરવા મજબૂર કર્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.
આ કૌભાંડમાંથી છૂટીને આવેલા યુવકની પૂછપરછમાં સાયબર ક્રાઇમ સામે અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસમાં જાણવા મળ્યું હતું કે, અભિષેકસિંગ નામનો મુખ્ય આરોપી દુબઈમાં બેઠા બેઠા ચાઇનીઝ ગેંગ સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. બેંગકોકથી છૂટકારો મેળવીને પરત આવનાર યુવકે મ્યાનમારના કાલ સેન્ટરમાં અનેક ગુજરાતી યુવકો ફસાયા હોવાનો અને ડરના કારણે સાયબર ક્રાઇમ કરતો હોવાનો ખુલાસો કર્યાે છે.
હવે આ મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.ટેલિગ્રામ ચેનલ દ્વારા બેંગકોકમાં આઈટી કંપનીમાં જાબ ઓફરની લાલચ આપીને યુવાનોને ટુરિસ્ટ વીઝા પર બેંગકોક બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં ગેરકાયદે ચાલતા કાલ સેન્ટરમાં લઈ જઈને ત્યાં સાયબર ક્રાઇમ આચરતી ચાઈનીઝ ગેંગના સકંજામાંથી છૂટેલા અમદાવાદના યુવકની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ અંગે માહિતી આપતા સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું કે, અમદાવાદમાં રહેતા યુવકની સાથે તેના મિત્રને પણ અભિષેકસિંગ દ્વારા નોકરીની ઓફર આપવામાં આવી હતી. જેથી બેંગકોક જવા માટેની વીઝા પ્રોસેસ કિંજલ શાહે કરી આપી હતી. બંને મિત્રો બેંગકોક પહોંચ્યા ત્યારે અભિષેકસિંગે વિડીયો કાલ કરીને તેમને એક લોકેશન પર પહોંચવા માટે કહ્યું હતું. જ્યાં પહોંચતા એક વ્યક્તિનો કાલ આવ્યો હતો અને તેણે એક ટેક્ષીનો નંબર આપ્યો હતો. જે ટેક્ષીમાં બેસીને હોટલ પર જવા માટે સૂચના આપી હતી.
ત્યારબાદ આવેલી ટેક્ષીના ડ્રાઇવર આશરે ૪૦૦ કિલોમીટર દૂર એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં બે મિત્રોની સાથે અન્ય યુવકો પણ હતા. જેથી ભોગ બનનાર યુવકના મિત્રને શંકા જતા તે ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે થોડીવાર બાદ તમામને અલગ-અલગ કારમાં મ્યાનમાર કેનાલ પાસે લઈ જઈને ક્રોસ કરાવ્યા બાદ ૨૦ કિલોમીટર ચલાવીને ગેરકાયદે ચાલતા કાલ સેન્ટર પર લઈ ગયા હતા.
જ્યાં તમામના ફોટો પાડીને લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને તમામને કાલ સેન્ટરથી કાલ કરીને નાણાં પડાવવા માટેની કામગીરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ માટે ૨૦ દિવસની તાલીમ પણ અપાઇ હતી.પરંતુ, અમદાવાદથી ગયેલા યુવકે સાયબર ક્રાઇમ આચરવાની ના પાડતા તેને કાલ સેન્ટરની ઓફિસમાં આવેલી જેલમાં પાંચ દિવસ સુધી પૂરીને માર માર્યાે હતો.
એટલું જ નહીં તેણે ફોનમાં પાડેલા ત્યાંનો ફોટો જોઈને ફોન પણ જપ્ત કર્યાે હતો. યુવકના જણાવ્યા મુજબ, કાલ સેન્ટરમાં ભારતીયો સહિત અનેક ગુજરાતીઓ પણ ફસાયા છે અને ટુરિસ્ટ વિઝા પૂર્ણ થયા બાદ તે થાઇલેન્ડમાં પ્રવેશ કરી શકે તેમ નથી. જેથી તમામ લોકો ત્યાં ફસાયા છે.