Western Times News

Gujarati News

AMCએ છેલ્લા 10 વર્ષમાં 9.65 કરોડ કોન્ટ્રાકટના કર્મચારીઓને ચુકવ્યા

AI Image

કોન્ટ્રાકટ પર લેવામાં આવતા કોર્પોરેશનના નિવૃત કર્મચારીઓને ઉંચા પગાર ચુકવવામાં આવે છે

મ્યુનિ. કોર્પોરેશનમાં “ઘરડાઓએ ગાડા વાળ્યા નહીં”, નિવૃત કર્મચારીઓ પર નિર્ભર તંત્ર: પ્રજાકીય કામો અટવાયા

કોન્ટ્રાકટ પરના કર્મચારી કિનરીબેન મહેતાને સૌથી વધુ દર મહિને રૂ.પ૦ હજાર પગાર ચુકવાયો છે તેઓ ૮ વર્ષ સુધી કોન્ટ્રાકટ પર રહયા હતાં.

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષો સુધી નવી ભરતી કરવામાં આવી ન હતી જેના કારણે નાગરિકોની પ્રાથમિક સુવિધાના કામ ખોરંભે પડતા હતાં મ્યુનિ. શાસકોએ નવી ભરતી કરવાના બદલે કોન્ટ્રાકટ પ્રથાને પ્રાધાન્ય આપ્યું હતું જેના કારણે યુવાનોને નવી તકો મળી ન હતી.

જયારે મ્યુનિ. કોર્પોરેશનમાં જ ફરજ બજાવી નિવૃત્ત થયેલા કર્મચારીઓને ફરીથી કોન્ટ્રાકટ પર લેવામાં આવ્યા હતાં જેના કારણે કોર્પોરેશનની તીજોરી પર અલગથી વધારાનો બોજ પડયો હતો. ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક કર્મચારીઓ તો નિવૃત થયા બાદ પણ પાંચ સાત વર્ષ સુધી કોન્ટ્રાકટ પર જ કામ કરી રહયા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ પ્રથા કાયમી બની ગઈ છે. નાગરિકોની સુવિધાના કામ હોય કે પછી કોઈપણ વિભાગમાં ખાલી પડેલી જગ્યા હોય તેના માટે કોન્ટ્રાકટ સીસ્ટમનો જ અમલ થઈ રહયો છે.

કોન્ટ્રાકટ પર લેવામાં આવતા કોર્પોરેશનના નિવૃત કર્મચારીઓને ઉંચા પગાર ચુકવવામાં આવે છે જયારે બીજી તરફ વય મર્યાદાના કારણે આ કર્મચારીઓની કાર્યદક્ષતા ઓછી થઈ ગઈ હોય છે જેના કારણે ફાઈલોના નિકાલ સમયસર થતા નથી.

કેટલાક કિસ્સામાં કોર્પોરેશનમાં વર્ષો સુધી ફરજ બજાવી ચુકેલા કર્મચારીઓ ભ્રષ્ટ સીસ્ટમને પારખી ચુક્યા હોવાથી ભ્રષ્ટાચારને પણ વેગ મળે છે. એક અંદાજ મુજબ ર૦૧પ-૧૬ થી ર૦રપ-ર૬ (જુન સુધી) અલગ અલગ વિભાગોમાં ૮૧૦ જેટલા કર્મચારીઓને કોન્ટ્રાકટ પર લેવામાં આવ્યા છે. આ કર્મચારીઓને પ્રતિ માસ ૮૭ લાખથી વધુ રકમ પગાર પેટે ચુકવવામાં આવી છે મતલબ કે છેલ્લા ૧૦ વર્ષમાં ૯ કરોડ ૬પ લાખ રૂપિયા કોન્ટ્રાકટના કર્મચારીઓને ચુકવાય છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૮-૧૯માં ૧૪૬, ર૦ર૦-ર૧ માં ૧પર, અને ર૦ર૧-રરમાં ૧પ કર્મચારી કોન્ટ્રાકટ પર લેવામાં આવ્યા હતા આ આંકડા જ બતાવે છે કે કોર્પોરેશન નવી જગ્યાઓ ભરવામાં કેટલી હદે ઉદાસીન કે બેદરકાર રહયું છે. કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ અને એડવોકેટ અતીક સૈયદના જણાવ્યા મુજબ કોન્ટ્રાકટ પરના કર્મચારીઓમાં અત્યાર સુધી કિનરીબેન મહેતાને સૌથી વધુ દર મહિને રૂ.પ૦ હજાર પગાર ચુકવાયો છે તેઓ ૮ વર્ષ સુધી કોન્ટ્રાકટ પર રહયા હતાં.

આઈઆર વિભાગમાં ગુલાબનબી શેખ નામના નિવૃત કર્મચારી ર૦૧૭થી હજી સુધી કોન્ટ્રાકટ પર જ ફરજ બજાવી રહયા છે. તેવી જ રીતે આઈઆર વિભાગમાં જ અમરીશ ડી. જાની નામના કર્મચારી પણ ર૦ર૩થી અત્યાર સુધી ફરજ બજાવી રહયા છે જયારે નાણાં વિભાગમાં જયેશ જે. પટેલ નામના સીનીયર કલાર્ક ર૦ર૦થી ફરજ બજાવે છે.

આમ મ્યુનિ. કોર્પોરેશન નવ લોહીયા યુવાનોને તક આપવાના બદલે નિવૃત થયેલા કર્મચારીઓ પર જ નિર્ભર રહયું છે. એક તરફ રાજય અને કેન્દ્ર સરકાર બિનકાર્યદક્ષ કર્મચારીઓને વય મર્યાદા પહેલા જ ફરજીયાત નિવૃત કરી રહયા છે જયારે બીજી તરફ મ્યુનિ. કોર્પોરેશન ૬પ વર્ષ તેથી વધુ વયના કર્મચારીઓને લાખો રૂપિયા પગાર ચુકવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.