હવામાન વિભાગે ગુજરાતના ૭ જિલ્લામાં જાહેર કર્યું રેડ ઍલર્ટ

ગુજરાતમાં મેઘમહેરઃ સુત્રાપાડામાં ૧ર ઈંચ અને દ્વારકામાં પ ઈંચ વરસાદ
(એજન્સી)અમદાવાદ, હવામાન વિભાગે આજે રાજ્યના ૭ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડતા જનજીવનને અસર પડી હતી. સૂત્રાપાડામાં આજે ૧ર ઈંચ અને દ્વારકામાં પ ઈંચ જેટલો વરસાદ પડયો હતો.
આ ઉપરાંત, હવામાન વિભાગે અન્ય ૮ જિલ્લાઓમાં પણ આૅરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં નવસારી, સુરત, ભરુચ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર અને મોરબીનો સમાવેશ થાય છે. આ સિવાય, રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડએલર્ટ જાહેર કરાયું છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં આ વર્ષે સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જળાશયોની વાત કરીએ તો, રાજ્યના 206 જળાશયોમાં 74 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં કુલ ૪ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ભારે વરસાદની શક્યતા વધી છે. આગામી ૨૪ આૅગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે (૨૦ આૅગસ્ટ) દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આગામી ૨૨ આૅગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે.
વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને માર્ગ વ્યવહાર પણ પ્રભાવિત થઈ શકે છે, જેથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ત્યારે આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. માંગરોળમાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૮૨ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં ૧૨ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યું છે. તો બીજી તરફ વેરાવળમાં ૬ ઇંચ અને કોડીનારમાં ૫ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, તાલાલા અને ઉનામાં પણ ૩ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમમાંથી ૭૬ ડેમ હાઈઍલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૬ ડેમ ઍલર્ટ પર તેમજ ૨૨ ડેમ ર્વોનિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૭૬.૪૦ ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટના ધોરાજીમાં ૩ ઇંચથી વધુ, માળિયાહાટીમાં ૨ ઇંચથી વધુ જ્યારે ડાંગ આહવા, અબડાસા, કામરેજ અને સુબીર તાલુકામાં ૨ ઇંચથી વધુ આ ઉપરાંત ૨૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે.
દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. બપોરે ૨ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પવનના સુસવાટા સાથે પડેલા સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.