Western Times News

Gujarati News

પૂર્વ સૈનિકોએ એરપોર્ટ નજીક ચક્કાજામ કરતાં ઘણાં લોકો ફ્લાઈટ ચૂક્યા

‘ઓપરેશન અનામત’ આંદોલન ઉગ્ર બન્યું-અમદાવાદમાં માજી સૈનિકો દ્વારા એરપોર્ટ નજીક ચક્કાજામ કર્યો

અમદાવાદ, ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલતા ‘ઓપરેશન અનામત’ આંદોલનનો મંગળવારે ૨૩મો દિવસ છે અને આ આંદોલન આજે વધુ ઉગ્ર બન્યું છે. ગાંધીનગરમાં મહારેલીની પરવાનગી ન મળતાં અને પોલીસ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવતાં માજી સૈનિકોએ અમદાવાદનો માર્ગ અપનાવ્યો હતો.

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીથી કોબા સર્કલ સુધી રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે ૫૦થી વધુ માજી સૈનિકોની અટકાયત કરી હતી, જોકે બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આશરે ૧૦૦૦થી વધુ માજી સૈનિકો અમદાવાદ પહોંચ્યા અને રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકોએ પોલીસ પર તેમને ડિટેઈન કરવાનો આક્ષેપ કર્યો હતો. માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતને છોડવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આંદોલનકારીઓએ ૩૦ મિનિટમાં નિર્ણય ન લેવાય તો ફરીથી આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

શરૂઆતમાં એરપોર્ટ સર્કલ પર પૂર્વ સૈનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. 200થી પણ વધુ પૂર્વ સૈનિકોએ રસ્તા પર બેસીને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા. આ ચક્કાજામના કારણે એરપોર્ટ પર આવતા-જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને બે કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો હતો.

માજી સૈનિકો રસ્તા પર બેસીને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા. આ ચક્કાજામના કારણે બે કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે ખાસ કરીને એરપોર્ટ પર આવતા-જતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો.

શરૂઆતમાં પોલીસે માજી સૈનિકોને સમજાવીને ઊભા કરવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાકની અટકાયત પણ કરી હતી. જોકે, આંદોલનકારીઓએ અટકાયત કરાયેલા જવાનોને છોડાવવા માટે દબાણ કરતાં આખરે પોલીસે નરમ વલણ અપનાવીને તેમને છોડી મૂક્યા હતા.

આ ઘટનાએ બતાવ્યું કે માજી સૈનિકોના આંદોલનની તાકાત સામે પોલીસને પણ પીછેહઠ કરવી પડી હતી. આગામી દિવસોમાં આંદોલન વધુ વેગ પકડે તેવી શક્યતા છે, જ્યાં સુધી તેમની અનામતને લગતી માંગણીઓ સંતોષવામાં ન આવે.

સતત ૨૩મા દિવસે કરવામાં આવી રહેલા આંદોલનમાં માજી સૈનિકોની માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્ત સૈનિકોને ૧૦ ટકા અનામત આપવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા મિનિમમ પાસિંગ માર્ક્સ ૪૦ રાખતા આજના નિવૃત સૈનિકોને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત તેઓ લઘુતમ લાયકની પ્રક્રિયા દાખલ કરે અને સૈનિકોની જગ્યા પર સૈનિકોનો જ ભરતી કરે તેવી માગણી મૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.