Western Times News

Gujarati News

૧૪મા માળેથી કૂદી યુવતીનો આપઘાત: કારણ જાણી શકાયું નથી

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, અમદાવાદથી વધુ એક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા સરદાર પટેલ આવાસ યોજનાના ૧૪મા માળેથી ઝંપલાવી યુવતીએ આપઘાત કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, મૃતક યુવતી સરદાર પટેલ આવાસ યોજનાની રહેવાસી નથી. આ ઘટનાની જાણ થતા ઘાટલોડિયા પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના શાસ્ત્રીનગરમાં સ્થિત સરદાર પટેલ આવાસના ૧૪મા માળેથી અજાણી યુવતીએ આવીને અચાનક નીચે પડતું મૂકી દેતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેને લઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ કરી હતી.

યુવતી અંગે સ્થાનિક લોકોની પૂછપરછ કરી હતી. પ્રથમિક તપાસમાં સામે આવ્યું છે, ૨૨ વર્ષની યુવતી સ્કૂટર લઈને આવી હતી અને આવાસ યોજનામાં સ્કૂટર પાર્ક કરીને ૧૪માં માળે પહોંચી હતી અને કૂદીને આપઘાત કર્યો હતો. હાલ પોલીસે યુવતીની ઓળખ કરીને તેના પરિવારને જાણ કરી હતી. જો કે, યુવતીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના રામોલના જનતાનગરમાં રહેતા ૨૨ વર્ષીય હાસીમઅલી ઝેરી દવા ગટગટાવી લેતાં મોત નિપજ્યું હતું. તેમજ મૂળ રાજસ્થાનના છાપી ગામના વતની અને વટવાના ગામડી રોડપર મજૂરી કરતાં ૧૮ વર્ષીય અનિલ કલાસવાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બંને યુવકોએ શા માટે આવું પગલું ભર્યું તે પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. જેથી પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.