હવે રેલવેમાં 35 કિલોથી વધારે વજન લઈ જઈ શકાશે નહિં: વજન વધુ હશે તો દંડની જોગવાઈ

પ્રતિકાત્મક
રેલવે મંત્રાલય લગેજ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા વિચારણા-વધુ સામાન માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે તદુપરાંત જનરલ ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો માટે સામાનના વજનની મર્યાદા ૩૫ કિગ્રા રહેશે
નવીદિલ્હી, ભારતીય રેલવે મંત્રાલય રેલવે મુસાફરીને વધુ સુલભ તેમજ સરળ બનાવવા અનેક પ્રયાસો કરી રહી છે. હાલમાં જ રેલવેએ એક નિયમ લાગુ કરવાની તૈયારી કરી છે. હવે વિમાન સેવાની જેમ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પણ સામાનના વજનનું ધ્યાન રાખવુ પડશે.
જો વજન વધુ જણાશે તો દંડ કે વધુ ચાર્જ વસૂલવાની જોગવાઈ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે, રેલવેમાં આ પ્રકારના નિયમો અગાઉથી જ લાગુ હતા, પરંતુ તેને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યા ન હતાં.
પણ હવે રેલવે મંત્રાલય લગેજ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા વિચારણા કરી રહી છે. દેશના અમુક ટોચના રેલવે સ્ટેશનો પર સામાનના વજન પર મર્યાદા લાગુ કરવામાં આવશે. એરલાઈન્સની જેમ ટ્રેનની મુસાફરી માટે પણ લગેજ નિયમોનું ધ્યાન રાખવુ પડશે.ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં મુસાફરી કરવા માટે ૭૦ કિગ્રા સુધીનો સામાન લઈ જવાની મંજૂરી રહેશે. એસી સેકન્ડ ક્લાસના મુસાફરો માટે આ મર્યાદા ૫૦ કિગ્રા જ્યારે થર્ડ એસી અને સ્લિપર ક્લાસના મુસાફરો માટે ૪૦ કિગ્રા સુધીનું વજન મફત રહેશે. જ્યારે તેનાથી વધુ સામાન માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
ઉત્તર રેલવે અને ઉત્તર-મધ્ય રેલવેએ આ વ્યવસ્થાની શરૂઆત લખનૌ, પ્રયાગરાજ મંડળના ટોચના સ્ટેશનોથી આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ લાગુ થનારા રેલવે સ્ટેશનોમાં પ્રયાગરાજ, મિર્ઝાપુર, કાનપુર અને અલીગઢ જંક્શન સામેલ છે. તદુપરાંત લખનૌ ચારબાગ, બનારસ, પ્રયાગરાજ, સુબેદારગંજ, મિર્ઝાપુર, ટૂંડલા, અલીગઢ, ગોવિંદપુરી, અને ઈટાવા સ્ટેશન પર પણ આ નિયમ લાગુ થશે.
રેલવે અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, આ નિયમ રેલવેના મુસાફરોની સુરક્ષા અને સુવિધા બંને માટે જરૂરી છે. કારણકે, ઘણીવખત મુસાફર પોતાની સાથે વધુ પડતો સામાન લઈ આવે છે. જેના લીધે કોચમાં હલન-ચલન કરવામાં મુશ્કેલીઓ નડે છે. અને અન્ય મુસાફરો પણ હાલાકીનો સામનો કરે છે. જેથી વધુ પડતો સામાન રેલવે માટે જોખમી છે.
એરપોર્ટની જેમ જ રેલવે સ્ટેશન પર પણ સામાન બુક કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો બેગ કે બ્રીફકેસનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય અને તે બો‹ડગ સ્પેસમાં અવરોધ ઉભો કરે, તો તેના પર દંડ લાદવાની પણ જોગવાઈ છે. રેલવે નિયમ અનુસાર, જો સામાન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ અને બુકિંગ વિના મળી આવ્યો તો સામાન્ય દર કરતાં વધુ ચાર્જ ચૂકવવો પડશે.
મુસાફરોને ૧૦ કિલો સુધીનો વધારાનો સામાન પોતાની સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવશે, તેનાથી વધુ માટે સામાન બુક કરાવવો પડશે.ભારતીય રેલવે મુસાફરોના સામાન અંગેના નિયમો લાગુ કરવા અને તેને સરળતાથી ચલાવવા માટે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક લગેજ મશીન સ્થાપિત કરાશે. રેલ્વે પ્લેટફોર્મ પર પ્રવેશતા પહેલાં મુસાફરોની બેગનું વજન અને કદ તપાસવામાં આવશે.
બીજી ખાસ વાત એ છે કે મુસાફરોના સામાનનું વજન જ નહીં, પરંતુ તેમની ટ્રાવેલ બેગનું કદ પણ આ મર્યાદામાં રાખવામાં આવશે. જો બેગની સાઈઝ જરૂરિયાત કરતા વધારે હોય, તો દંડ લાદવામાં આવી શકે છે, ભલે સામાન નિર્ધારિત વજન કરતાં ઓછો હોય. લખનૌ ઉત્તર રેલવેના સિનિયર ડીસીએમ કુલદીપ તિવારીના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.