યુદ્ધ સમાપ્તિ માટે યુક્રેને અમેરિકા પાસે 90 અબજ ડોલરના હથિયાર ખરીદવા પડશે

File Photo
યુક્રેન માટે ૯૦ અબજ ડોલરના અમેરિકન હથિયાર ખરીદવાની યોજના સામેલ છે આ ખરીદી યુરોપિયન ફંડ મારફત થશે
વોશિગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક મુદ્દે વિગતો રજૂ કરતાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે, વ્હાઈટ હાઉસમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને યુરોપિયન નેતાઓ સાથે થયેલી વાતચીતમાં યુક્રેન માટે ૯૦ અબજ ડોલરના અમેરિકન હથિયાર ખરીદવાની યોજના સામેલ છે. આ ખરીદી યુરોપિયન ફંડ મારફત થશે. જે યુક્રેનની સુરક્ષા ગેરેંટીનો હિસ્સો બનશે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સોમવારે કહ્યું કે, સુરક્ષા ગેરેંટીનો એક હિસ્સો યુક્રેનમાં ડ્રોનનું નિર્માણ કરશે, જેમાંથી અમુક અમેરિકા દ્વારા ખરીદવામાં આવશે. આ ૯૦ અબજ ડોલરની આ ડીલમાં ૫૦ અબજ ડોલરના ડ્રોન ઉત્પાદન પણ સામેલ છે. હજુ આ મામલે ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ ઔપચારિક કરાર થયો નથી. આગામી એકથી દોઢ સપ્તાહમાં કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
ઝેલેન્સ્કી અને ટ્રમ્પે વ્હાઈટ હાઉસની મુલાકાત પહેલાં એક પ્રસ્તાવ પેકેજ તૈયાર કર્યું હતું. આ પેકેજ ટ્રમ્પના અમેરિકી ઉદ્યોગના આર્થિક ફાયદાઓ પર ભાર મૂકે છે. ટ્રમ્પે ભવિષ્યની સહાયતા અંગે સ્પષ્ટતા કરી હતી કે, અમે કંઈપણ સેવા મફત આપી રહ્યા નથી, અમે હથિયાર વેચી રહ્યા છીએ. સ્થાયી શાંતિ સ્થાપિત કરી મજબૂત સુરક્ષા માળખું તૈયાર કરવા પર ભાર મૂકાયો છે. જે ભવિષ્યમાં થનારા યુદ્ધને રોકશે.
સોમવારે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ, ઝેલેન્સ્કી અને યુરોપના સાત નેતાઓ વચ્ચે એક લાંબી બેઠક થઈ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ નેતાઓએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે, ટ્રમ્પ ભીષણ યુદ્ધનો અંત લાવવાના પોતાના ચૂંટણી વચનો પર પુરજોશમાં કામ કરી રહ્યા છે. આ બેઠકમાં તમામ લોકો ખુશ હતા.ટ્રમ્પે ઝેલેન્સ્કી અને ઈયુના નેતાઓ સાથે બેઠક કર્યા બાદ ત્રણેય નેતા વચ્ચે સંયુક્ત બેઠક કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે બેઠક ગોઠવવામાં આવશે.
મેં પ્રમુખ પુતિન સાથે ફોન પર વાત કરી છે. પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે એક નિશ્ચિત સ્થળ પર બેઠક યોજવાની તૈયારીઓ શરૂ કરી છે. આ બેઠક બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.