ગોધરામાં ‘AAP’ના યુવા મોરચાના પ્રમુખ સહિત છ જુગારીઓ ઝડપાયા

ગોધરા, ગોધરામાં જુગારધામોને બંધ કરાવવા માટે આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ આશિષ કામદાર દ્વારા એક સપ્તાહ પૂર્વે જિલ્લા સત્તાધીશોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દરમિયાન એલસીબી શાખાની ટીમ દ્વારા ગોધરાના વાવડી બુઝુર્ગમાં આવેલી વૈજનાથ સોસાયટીમાં મકાનમાં ચોક્કસ બાતમીના આધારે જુગારધામ ઉપર રેડ કરતાં પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ આશિષ અનિલભાઈ કામદાર પોતાના સાથી જુગારી મિત્રો સાથે જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પોલીસે ગોધરાની વૈજનાથ સોસાયટીના મકાન નંબર-૦૭માં રેઈડ હાથ ધરી હતી. ત્યાં કેટલાક લોકો ગંજી પાનાના પત્તા ઉપર હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી જીગરભાઈ ગોવિંદભાઈ શાહ, ધર્મેન્દ્ર વિનોદભાઈ ગોસાઈ, અશ્વિન રામગીરી ગોસ્વામી, આશિષભાઈ અનિલભાઈ કામદાર, વિજયભાઈ રમેશભાઈ પટેલ, મહેશભાઈ કનુભાઈ પટેલ અને વિક્રમભાઈ નરસિંહભાઈ વણઝારાની અટકાયત કરી હતી.
પોલીસે પકડાયેલા ઈસમોની અંગઝડતીમાંથી રોકડ રૂ.૯૮,૭૦૦ દાવ ઉપરના રોકડ રૂપિયા ૧૧,૩૦૦ અને રૂ.૩૦ હજારની કિંમતના ૩ મોબાઈલ ફોન મળીને કુલ રૂ.૧.૪૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે તમામ આરોપીઓ વિરૂદ્ધ ગોધરા ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.