Western Times News

Gujarati News

ધોરાજીના પ્લાસ્ટિક વેસ્ટ રિસાયક્લિંગ ઉદ્યોગમાં મંદીઃ અનેક યુનિટ બંધ હાલતમા

કાચા માલના ભાવમાં મોટો વધારો થઈ જતા સમસ્યા સર્જાઈ

ધોરાજી, ધોરાજીમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાયક્લિંગના ઉદ્યોગ ખુબ મોટા પાયે ચાલે છે પણ અત્યારે ઉદ્યોગની હાલત કફોડી થઈ ગી છે. પચાસ ટકા જેટલા કારખાનાઓ બંધ થઈ જતા અનેક લોકો બેકાર બની ગયા છે. ધોરાજીમાં આસપાસના ગામડામાંથી પેટિયું રળવા આવતા કારીગરો છે અને વર્ષોથી આ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. મોટાભાગના બેકાર થઈ ગયા છે.

ધોરાજી સહિત આસપાસના નાના ગામોમાં પ્લાસ્ટિક રિસયાકલના આશરે ૬૦૦ જેટલા કારખાના આવેલા છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા આ કારખાનાઓ મૃતપ્રાય અવસ્થામાં આવી ગયા છે. આ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગતા અનેક પરિવારની રોજી રોટી છીનવાઈ ગી છે. સરકાર આ દિશામાં યોગ્ય વિચાર પ્લાસ્ટીકના રિસાયક્લિંગ કરતા કારખાનાઓ સામે જુએ તેવી માંગ ઉઠી છે.

વેસ્ટમાંથી બેસ્ટ કરવાના ઉદ્યોગનું ૧ માસનું ટર્નઓવર અંદાજીત ૪૦ કરોડ થતુ હતું. ૧૮ થી ૨૦ હજાર લોકોને સીધી સ્વરોજગારી મળતી હતી. તેમજ અન્ય રોજગારીમાં ટ્રાન્સપોર્ટેશન, રિક્ષાઓ, હોટલો, લેથવાળા સહિતના ૫ હજાર વધારાના લોકોને રોજી રોટી પુરી પાડતી હતી. પ્લાસ્ટિક ઉદ્યોગમાં કાચા માલના ભાવ વધતા આ ધંધાઓ મૃતપ્રાય થયા છે. સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ ભારતનું અભિયાન કાર્ય ધોરાજી, સહિતના ગા૪મોમાં થાય છે.

ભારતના જુદા જુદા રાજ્યોમાથી રોજ ૧૦૦ થી ૧૫૦ જેટલા વેસ્ટ પ્લાસ્ટિકના ટ્રકો ધોરાજીમાં આવી રહ્યા છે પરંતુ કોસ્ટમાં ફેરફારના કારણે પ્લાસ્ટિક રિસાયક્લિંગ ઉદ્યોગ જાણે મૃત અવસ્થામાં આવી ગયા છે.

ધોરાજી હાલમાં ૧૦૦ કરતા વધારે પ્લાસ્ટિકના રિસાયક્લિંગના કારખાનાઓ બંધ થઈ ગયા છે. અને અમુક કારખાનાઓમાં મંદીના લીધે ઈલેકટ્રીક કનેકશનો કટ કરાવી નાંખવા પડ્યા છે અને અમુક લોડ ઘટાડી દીધા છે.

પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડિયાએ જણાવેલ કે પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ ૩૫ વર્ષ પહેલા ધોરાજીમાંથી શરૂ થયુ હતું. સમગ્ર દેશમાંથી પ્લાસ્ટિક વેસ્ટ ધોરાજીમાં આવે છે.

પ્લાસ્ટિક નાશ પામતુ નથી તેને બાળવાથી અથવા રિસાયક્લિંગ કરવાના ધોરાજીના વગેરે વિસ્તારોમાં ઉદ્યોગ છે. જો પ્લાસ્ટીક રીપ્રોસેસના એકમોને કાચા માલ સહિતના કોસ્ટમાં રાહત અને સબસીડી અપાય તો હજારો લોકોને સીધી રોજગારી મળે અને આ ઉદ્યોગ બચી શકે છે તેમ છે.

ઉદ્યોગ ફરીથી સજીવન નહીં થાય તો સમગ્ર દેશમાં વેસ્ટ પ્લાસ્ટિકના ઢગલાઓ જોવા મળશે. સ્વચ્છતા અભિયાન નિષ્ફળ જશે. આ ઉદ્યોગને બચાવવા સબસીડી, ટેક્સ નાબુદી વગેરે જાહેર કરવામાં આવે તો અનેક બેકારોને રોજીરોટી મળી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.