Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં વરસાદથી 21 લોકોના મોતઃ 14 લાખ એકર ખેતીના પાકને નુકશાન

  • છેલ્લા ત્રણ દિવસમાં 21 લોકોનાં મોત, 10થી વધુ ઘાયલ.

  • 1,500 લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા, ઠાણે અને પાલઘર સૌથી વધુ અસરગ્રસ્ત.

  • મુંબઈ, ઠાણે, પાલઘર, રાયગઢ અને મુંબઈ ઉપનગરમાં રેડ એલર્ટ, અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ.

  • એનડીઆરએફ-એસડીઆરએફ એલર્ટ પર, ડેમ અને નદીઓના વહાવ પર કડક નજર.

મુંબઈ,  મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી વરસતા અવિરત વરસાદના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 21 લોકોનાં મોત થયા છે અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. લગભગ 1,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 14 લાખ એકર જેટલી ખેતી ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરનાં કારણે બગડાઈ ગઈ છે.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના જણાવ્યા મુજબ, આ મોતમાં મોટા ભાગે લોકો વહેણમાં વહી જવાથી, ભૂસ્ખલન કે ઘરો ધરાશાયી થવાથી થયા છે. ઠાણે અને પાલઘર જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી છે. એનડીઆરએફની ટીમો અને ફાયર બ્રિગેડ દ્વારા રાહત કામગીરી ચાલુ છે.

મુંબઈની મીઠી નદી, ઠાણેની ઉલ્હાસ નદી અને કોનકણ વિસ્તારની અનેક નદીઓ ખતરા ના સ્તરથી ઉપર વહે છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને ચેતી રહેવા અને તરત સહાય પહોંચાડવા આદેશ આપ્યો છે.

કોંકણ પ્રદેશમાં ભારે વરસાદને કારણે લગભગ તમામ નદીઓ ખતરા ના સ્તરથી ઉપર વહે રહી છે. રત્નાગીરીની જગબુડી નદી, રાયગઢની અંબા નદી તેમજ વશિષ્ઠી, શાસ્ત્રી, કજલી, કોડવાલી, બવાનદી, સાવિત્રી અને કુન્ડલિકા નદીઓમાં પાણીનો સ્તર ખતરાની સપાટી વટાવી ગયો છે. ઠાણે જિલ્લાના ઉલ્હાસ નદીનું જાંભુલપાડા અને બદલાપુર ખાતેનું પાણીનું સ્તર ચેતવણીના સ્તરથી ઉપર પહોંચી ગયું છે.

નાનાદેડ જિલ્લાના મુખેડ ખાતે વાદળફાટ બાદ અત્યાર સુધીમાં 293 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તમામ એજન્સીઓને ચેતી રહેવા આદેશ અપાયા છે. જિલ્લા કલેક્ટરોને જાનહાનિ, પશુધન અને ઘરોનાં નુકસાનની તાત્કાલિક સહાય પહોંચાડવા સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે ખેતીને થયેલા નુકસાનનું તાત્કાલિક મૂલ્યાંકન કરવામાં આવી વળતર માટેની કાર્યવાહી શરૂ કરવી. તેમણે મંત્રિમંડળની બેઠક બાદ કહ્યું કે પ્રાથમિક માહિતી મુજબ રાજ્યમાં આશરે 14 લાખ એકર જમીન પરના પાકને ભારે નુકસાન થયું છે. વરસાદની તીવ્રતા હજી ઓછી થઈ નથી, તેથી એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે તમામ આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે.

મુખ્યમંત્રી ફડણવીસે વધુમાં જણાવ્યું કે નાંદેડ જિલ્લામાં વાદળફાટ જેવી સ્થિતિ સર્જાઈ છે અને વિવિધ પ્રોજેક્ટમાંથી પાણી છોડવાની પ્રક્રિયા ઉપર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. પડોશી રાજ્યોના પ્રોજેક્ટમાંથી થતા પાણીના વહાવ અંગે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં ભારે વરસાદનું મુખ્ય કારણ બંગાળના ખાડીમાં સર્જાયેલું ઓછી દબાણનું ક્ષેત્ર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યભરમાં નાગરિકોને દર ત્રણ કલાકે વરસાદ અંગે ચેતવણી સંદેશ મોકલવામાં આવી રહ્યો છે.

મંગળવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 300 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. મુંબઈમાં મીઠી નદી ખતરા ના સ્તરથી ઉપર જતા 400 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન, હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મુંબઈ શહેર, મુંબઈ ઉપનગર, ઠાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રત્નાગીરી, સિંધુદુર્ગ, ગડચિરોલી અને કોલ્હાપુર ઘાટ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્ય આપત્તિ નિયંત્રણ કેન્દ્રના જણાવ્યા મુજબ, તમામ જિલ્લા વહીવટી તંત્રને વધુ ચેતી રહેવા અને તાત્કાલિક પગલાં ભરવા આદેશ અપાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.