Western Times News

Gujarati News

મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી સામેના કેસમાં ફોરેન્સિક તપાસ ખોટી દિશામાંઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, મણિપુરમાં હિંસા મામલે પૂર્વ મુખ્યમંત્રીની શંકાસ્પદ ભૂમિકા દર્શાવતું ઓડિયો રેકો‹ડગ વાઈરલ થયું હતું. જેના પગલે એન બિરેન સિંઘને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

રાજ્યમાં હિંસા ફેલાવવામાં પૂર્વ મુખ્યમંત્રીની શંકાસ્પદ ભૂમિકા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફોરેન્સિક તપાસ ખોટી દિશામાં થઈ રહી હોવાનું નોંધ્યું હતું અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની કામગીરી સામે નારાજગી દર્શાવી હતી.

જસ્ટિસ સંજય કુમાર અને સતીષ ચંદ્ર શર્માની બેન્ચે નોંધ્યુ હતું કે, કોર્ટે ઓડિયો ક્લિપ્સની સત્યતા ચકાસવા આદેશ આપ્યા ન હતા, પરંતુ કોર્ટે વોઈસ સેમ્પલ ચકાસવા નિર્દેશ આપ્યા હતા.

વોઈસ સેમ્પલના આધારે એ જાણવાનું હતું કે, ઓડિયો ક્લિપમાં સંભળાતો અવાજ અને આક્ષેપિતનો અવાજ એક જ વ્યક્તિનો છે કે નહીં? કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલને જણાવ્યુ હતું કે, આ કેસમાં ઓડિયોની ઓથેન્સિટી સાબિત કરવા કોર્ટે ક્યારેય નિર્દેશ આપ્યા જ ન હતા.

ફોરેન્સિક લેબોરેટરીની સમગ્ર કવાયત ખોટી દિશામાં જઈ રહી છે. આ કેસમાં પક્ષકાર તરીકે જોડવા માટે પૂર્વ મુખ્યમંત્રી સિંઘની દીકરીએ અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી નકારી દીધી હતી અને ઠરાવ્યું હતું કે, આ કેસ ફેમિલી સપોર્ટ પ્રોગ્રામ નથી. આ કેસના અરજદાર કુકી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્‌સ ટ્રસ્ટ તરફથી એસઆઈટી તપાસની માગ કરવામાં આવી છે.

આ સાથે આક્ષેપ લગાવાયો હતો કે, સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી પર એ જ સરકારનો વહીવટી અંકુશ છે, જે પક્ષની સરકારમાં આક્ષેપિત સિંઘ મુખ્યમંત્રી હતા. આ કેસની વધુ સુનાવણી ૨૫ ઓગસ્ટે રાખવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.