પ્રેમ કરવો ગુનો છે? રેપ અને સાચા પ્રેમ વચ્ચે ભેદ પારખવો જરૂરીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, જાતિય સંબંધો માટે સંમતિની કાનૂની ઉંમરમાં ઘટાડો કરવો જોઇએ કે નહીં તેવા મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે બળાત્કાર અને પુખ્તાવસ્થાની આરે આવેલા યુવાનોમાં સાચા રોમેન્ટિક કેસો વચ્ચે ભેદ પારખવાની જરૂરિયાત પર ભાર મૂકીને જણાવ્યું હતું કે શું તમે એવું કહી શકો છો કે પ્રેમ કરવો ગુનો છે.
ન્યાયાધીશ બી વી નાગરત્ના અને આર મહાદેવનની બનેલી ખંડપીઠે સહ-શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના અસ્તિત્વની નોંધ લઇ જણાવ્યું હતું કે હવે પુખ્તાવસ્થાની આરે આવેલા યુવાનોમાં એકબીજા પ્રત્યે લાગણીઓ જન્મતી હોય છે.
તેનાથી શું તમે એવું કહી શકો છો કે પ્રેમ કરવો ગુનાહિત કૃત્ય છે? આપણે બળાત્કાર વગેરે જેવા ગુનાહિત કૃત્ય અને સાચા પ્રેમ વચ્ચે ભેદ પારખવો પડશે. જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ ધારા હેઠળની સંમતિની ઉંમરને ૧૮ વર્ષથી ઘટાડીને ૧૬ વર્ષ કરવી જોઇએ કે નહીં તેવો સવાલ ઊભો કરતી એક અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ અવલોકન કર્યા હતાં. ખંડપીઠે જણાવ્યું હતું કે સાચા રોમેન્ટિક કેસ હોય છે, ત્યારે તેઓ એકબીજાને પસંદ કરતાં હોય અને લગ્ન કરવા માંગતા હોય છે.
આવા કેસોને ફોજદારી કેસોની જેમ ન ગણો. તમારે સમાજની વાસ્તવિકતા ધ્યાનમાં રાખવી પડે છે. સર્વાેચ્ચ અદાલતે એવા યુગલોના માનસિક આઘાતનો પણ ઉલ્લેખ કર્યાે હતો કે જેમાં સામાન્ય રીતે પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યા પછી છોકરીના માતાપિતા દ્વારા પુરુષ જીવનસાથીને જેલમાં મોકલવામાં આવે છે. ભાગીને કરવામાં આવતા લગ્નને છુપાવવા માટે પોક્સો હેઠળ પણ કેસ દાખલ થતાં હોવાનો ઉલ્લેખ કરીને ખંડપીઠે જણાવ્યું હતું કે આ સમાજની કઠોર વાસ્તવિકતા છે.
અરજદાર સંગઠન વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એચ એસ ફૂલકાએ સુરક્ષાના પગલાં લેવાની રજૂઆત કરી હતી. ખંડપીઠે અવલોકન કર્યું હતું કે પોલીસ આ બાબતોની તપાસ કરશે કે શું તે અપહરણ, માનવ તસ્કરી કે પછી સાચા પ્રેમનો કેસ છે.
આ અરજીમાં ઉઠાવવામાં આવતા મુદ્દાના સંદર્ભમાં અગાઉ સુપ્રીમ કોર્ટે આપેલા કેટલાંક આદેશોને તેઓ રેકોર્ડ પર મુકશે તેવી અરજદારના વકીલ ફુલકાની રજૂઆત પછી ખંડપીઠે આ મામલાની સુનાવણી ૨૬ ઓગસ્ટ સુધી મુલતવી રાખી હતી.
તાજેતરમાં કેન્દ્ર સરકારે સર્વાેચ્ચ અદાલતમાં ૧૮ વર્ષની સંમતિની કાયદેસર ઉંમરનો બચાવ કરતાં જણાવ્યું હતું કે સગીરોને જાતીય શોષણથી બચાવવાની નીતિની ભાગરૂપે આ નિર્ણય સંપૂર્ણ વિચારણા સાથે કરવામાં આવ્યો છે. કિશોરાવસ્થાના પ્રેમસંબંધની આડમાં સંમતિની ઉંમર ઘટાડવી અથવા અપવાદો રજૂ કરવા એ માત્ર કાયદાકીય રીતે અયોગ્ય જ નહીં હોય પણ તે ખતરનાક પણ હશે.SS1MS