પ્રથમ વન-ડેમાં સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો કારમો પરાજય

કેર્ન્સ , એઇડન માર્કરમ, કેપ્ટન ટેમ્બા બાવુમા અને બ્રિટ્ઝકેની અડધી સદી બાદ સ્પિનર કેશવ મહારાજે વેધક બોલિંગ કરીને પાંચ વિકેટ ખેરવતાં પ્રવાસી સાઉથ આફ્રિકાએ મંગળવારે અહીં રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૯૮ રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે પ્રવાસી ટીમે ત્રણ મેચની સિરીઝમાં ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી હતી.
બીજી વન-ડે ૨૨મી ઓગસ્ટે રમાશે.અહીં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૯૬ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ ૪૧મી ઓવર સુધીમાં ૧૯૮ રનના સ્કોરે આઉટ થઈ ગઈ હતી.
કેશવ મહારાજને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.૨૯૭ રનના ટારગેટ સામે રમતાં ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન અને ઓપનર મિચેલ માર્શે મજબૂત બેટિંગ કરીને ૯૬ બોલમાં ૮૮ રન ફટકાર્યા હતા પરંતુ તે સિવાયના મોટા ભાગના સ્ટાર બેટર્સ નિષ્ફળ રહ્યા હતા.
મેરનસ લબુશેનને આઉટ કરવાની સાથે કેશવ મહારાજ ત્રાટક્યો હતો. તેણે પોતાની લેફ્ટ આર્મ સ્પિન બોલિંગથી કાંગારું ટીમના મિડલ ઓર્ડરને તહસનહસ કરી નાખ્યું હતું. તેણે લબુશેન (૦૧) બાદ કેમરૂન ગ્રીન (૦૩), શ ઇંગ્લિસ (૦૫), એલેક્સ કેરી (૦૦) અને એરોન હાર્ડી (૦૪)ને સસ્તામાં આઉટ કરી દેતાં ઓસ્ટ્રેલિયાએ એક સમયે ૮૯ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.
અગાઉ સાઉથ આફ્રિકા માટે ઓપનર એઇડન માર્કરમે ૮૧ બોલમાં નવ ચોગ્ગા સાથે શાનદાર ૮૨ રન ફટકાર્યા હતા તો કેપ્ટન બાવુમાએ ૬૫ અને બ્રિટ્ઝકેએ ૫૭ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત વિયાન મુલ્ડેરે ઇનિંગ્સના અંત ભાગમાં અણનમ ૩૧ રનનું યોગદાન આપ્યું હતું.SS1MS