એક શક્તિશાળી વ્યક્તિએ તેમનું જાતીય શોષણ કર્યું અને મૌન રહેવા દબાણ કર્યુંઃ વિક્ટોરિયા કેનાલ

File Photo
વિશ્વ વિખ્યાત બેન્ડ કોલ્ડપ્લે સાથે પરફોર્મ કરી ચૂકેલી સ્પેનિશ-અમેરિકન ગાયિકા વિક્ટોરિયા કેનાલએ સોશિયલ મીડિયા પર પોતાના જીવનનો પીડાદાયક અનુભવ શેર કરીને સંગીત જગતમાં ખળભળાટ મચાવ્યો છે. તેમણે ખુલાસો કર્યો છે કે તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં એક શક્તિશાળી વ્યક્તિએ તેમનું જાતીય શોષણ કર્યું હતું અને આ અંગે મૌન રહેવા માટે દબાણ કર્યું હતું.
સંગીત જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર ગાયિકા-ગીતકાર વિક્ટોરિયા કેનાલએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને સંગીત ઉદ્યોગના અંધકારમય પાસાને ઉજાગર કર્યો છે. તેમણે જણાવ્યું કે, જે વ્યક્તિએ મને સંગીત ક્ષેત્રે પહેલી તક આપી, તે જ વ્યક્તિએ મારું શારીરિક શોષણ કર્યું અને મને ડરાવીને ચૂપ રહેવા માટે મજબૂર કરી. હું આનો એકમાત્ર શિકાર નથી. બીજા પણ અનેક છે.
તેમનો આ બોલ્ડ ખુલાસો અનેક પીડિતોને અવાજ ઊઠાવવા માટે પ્રેરણા આપી રહ્યો છે. વિક્ટોરિયા કેનાલ જન્મથી જ તેમના જમણા હાથનો નીચેનો ભાગ ધરાવતા નથી. પરંતુ આ શારીરિક મર્યાદાને તેમણે કયારેય પોતાની કારકિર્દીના માર્ગમાં અવરોધ બનવા દીધી નથી. તેમણે પિયાનો વગાડવાની એક અનોખી ટેકનીક વિકસાવી અને પોતાની આગવી શૈલીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી. મ્યુનિક, જર્મનીમાં જન્મેલી વિક્ટોરિયાએ પોતાનું બાળપણ વિશ્વના અનેક શહેરોમાં વિતાવ્યું.
ઇન્સ્ટાગ્રામ પર પોતાના નાના વીડિયો ક્લિપ્સથી જ તેમને પ્રસિદ્ધિ મળી. માઈકલ ફ્રેન્ટી અને એમિલી કિંગ જેવા પ્રખ્યાત કલાકારોએ તેમની પ્રતિભા પારખી અને તેમને પોતાની ટૂરમાં સામેલ થવા આમંત્રણ આપ્યું. આજે તેઓ કોલ્ડપ્લે સહિત અનેક પ્રખ્યાત બેન્ડ્સ અને કલાકારો સાથે મંચ શેર કરી ચૂકયા છે.
૨૦૨૪માં તેમણે યુકેનો પ્રતિષ્ઠિત આઇવર નવેલો એવોર્ડ પણ જીત્યો છે. વિક્ટોરિયાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે દુર્વ્યવહાર કરનાર વ્યક્તિએ તેમને એવી ધમકી આપી હતી કે જો તેઓ આ ઘટના વિશે વાત કરશે તો તેમની કારકિર્દી ખતમ થઈ જશે.
આ ભયના કારણે તેઓ લાંબા સમય સુધી આ પીડા સાથે જીવ્યા. જોકે, અન્ય પીડિતોની વાર્તાઓ સાંભળ્યા બાદ તેમને લાગ્યું કે હવે ચૂપ રહેવું યોગ્ય નથી. તેમણે લખ્યું, આ સત્ય કહેવું એ મારા માટે એક ઉપચારની પ્રક્રિયાનો ભાગ છે. લોકો મારી વાતને સમજી રહ્યા છે અને મને સાજા થવામાં મદદ કરી રહ્યા છે, જે મારા માટે ખૂબ જ મહત્વનું છે.