સૌરાષ્ટ્રના ૬ જિલ્લામાં મેઘતાંડવઃ નિચાણવાળા ગામો ખાલી કરાવાયા

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ૫૯ દરવાજા ૨ ફૂટ ખોલાયા, ૧૭ ગામને એલર્ટ કરાયાઃ ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, ભાખરવડ ડેમ છલકાયો
ગાંધીનગર, ગુજરાત ઉપર એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય બનતાં સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની કરાયેલી આગાહી મુજબ ગઈકાલે બપોરથી જ વરસાદ પડવાનો શરૂ થયો હતો. આજે દિવસભર સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
સંખ્યાબંધ ગામો પાણીમાં ડૂબી ગયા હતા અને રસ્તાઓ ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. સૌથી વધુ મેંદરડામાં ૧૩ ઈંચ અને કલ્યાણપુરમાં ૧૧ ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના ૧૦૦થી વધુ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દરિયો પણ તોફાની બનતાં માછીમારી માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હજુ પણ ૨ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જ્યારે નદીઓ પૂર આવતાં અને શેત્રુંજી સહિતના ડેમના દરવાજાં ખોલાતાં નિચાણવાળા ગામોને ખાલી કરાવવામાં આવ્યાં છે. સૌષ્ટ્ર્રમાં પડેલા ભારે વરસાદનાં પગલે અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ હતી.
રાજ્યમાં સક્રિય થયેલી પાંચ વરસાદી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી અને વલસાડ સહિતના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. આ અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, અને દ્ગડ્ઢઇહ્લ જેવી ટીમોને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના ૬ જિલ્લાઓમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના મેંદરડામાં ૧૩ ઈંચ, જ્યારે કેશોદ અને વંથલીમાં ૧૦-૧૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, પોરબંદર અને ભાવનગરના મહુવામાં પણ ૫ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ પરિસ્થિતિને જોતા, રાજ્યના ૧૪ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને અન્ય તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દરિયો તોફાની બનતા તમામ બંદરો પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં વરસાદનું પ્રમાણ એટલું વધારે હતું કે તેને આભ ફાટ્યું જેવું વર્ણવી શકાય. મેંદરડા તાલુકામાં સવારથી જ સાંબેલાધાર વરસાદ વરસતા ૧૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત, કેશોદ અને વંથલીમાં પણ ૧૦-૧૦ ઈંચ જેટલો અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. આનાથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, વાહનો ડૂબી ગયા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ફસાયા છે. જૂનાગઢ ઉપરાંત, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. પોરબંદરમાં ૪ કલાકના ગાળામાં ૫.૩૧ ઈંચ વરસાદ પડતા રોડ અને હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ભાવનગરના મહુવામાં પણ ૫ ઈંચથી વધુ વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે.
આ ભારે વરસાદને કારણે ખેડૂતો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે, અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વર્તમાન અને આગામી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે રાજ્યના ૧૪ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી માટે ફાયર અને દ્ગડ્ઢઇહ્લ ની ટીમોને તૈનાત કરવામાં આવી છે. દરિયો તોફાની બનતા બંદરો પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધાતરવાડી ડેમના ૧૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે હિરણ, ઉમરેઠી વગેરે જેવાં ડેમોમાં પાણીની આવક વધતાં દરવાજા ખોલવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શિંગોડા અને હિરણ-૨ ડેમ ૧૦૦% ભરાયા છે, જ્યારે અન્ય ડેમ ૮૦% ભરાયાં છે.
જેના કારણે વેરાવળ, તાલાલા અને કોડિનાર તાલુકાનાં નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, વેરાવળના સવની ગામ નજીક આવેલો ગાગડીયા ધોધ પણ જીવંત થયો છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વહીવટીતંત્ર દ્વારા ૩૫-૪૦ લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી જૂનાગઢના તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, કોઝવે/રસ્તા પરથી પાણી પસાર થતું હોય ત્યારે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે. ગત બે દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી-નાળા કોઝવે પરથી અચાનક જ પાણીનો પ્રવાહ વધી શકે છે.
જેને ધ્યાને લઇ અને સલામતીના પગલાને અનુસરતાં નીચાણવાળા વિસ્તારમાં અને કૂતુહલવશ નદી-નાળા પાસે ન જવા અને નાગરિકને મુશ્કેલી કે સમસ્યા હોય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર ૧૦૭૭ પર ત્વરિત જાણકારી આપવા કલેક્ટરએ નાગરિકોને અનુરોધ કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે, અનેક નદી-નાળા છલકાઈ ગયા છે, અને ડેમોમાં પાણીની આવક સતત વધી રહી છે. આગામી સમયમાં પણ હવામાન તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને અનુલક્ષીને કોઈપણ પરિસ્થિતિ ઉદભવે તો તેને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે, ત્યારે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક બેટિંગ શરુ કરતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૪.૨ ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં ૭.૫ ઇંચ નોંધાયો છે. આ સિવાય પારડીમાં ૪.૭ ઇંચ અને વાપીમાં ૪.૬ ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો, કોઝવે અને રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. ખાસ કરીને વાપી શહેરના નવા અને જૂના રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ઉમરગામ તાલુકામાં પણ નાહુલી, સંજાણ અને ભિલાડના અંડરપાસ પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
વલસાડના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધી છે. ડેમની સપાટી વધતાં સત્તાવાળાઓએ દમણગંગા નદીમાં ૨૯,૦૦૦ ક્યુસેકથી લઈને ૧.૨૨ લાખ ક્યુસેક સુધી પાણી છોડ્યું છે. સાંજે ૫ વાગ્યે ડેમમાં ૧.૨૦ લાખ ક્યુસેકની આવક નોંધાતા, ડેમના ૧૦ દરવાજા ૨.૫ મીટર સુધી ખોલીને ૧.૨૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમની સપાટી હાલમાં ૭૬ મીટર પર પહોંચી છે.