થરૂરે ગુનાહિત ઈતિહાસ ધરાવતા CM, PM અને મંત્રીઓને પદ પરથી હટાવવા માટેના પ્રસ્તાવિત બિલને સમર્થન આપ્યું

જો કોઈ પણ મંત્રીની ધરપકડ થાય અને તે સતત ૩૦ દિવસથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં જેલમાં રહે, તો તેણે ૩૧મા દિવસે રાજીનામું આપવું પડશે
કેન્દ્ર સરકારે સંસદમાં ૩ બિલ રજૂ કર્યા, વિપક્ષનો જોરદાર હોબાળો -વિરોધ પક્ષના સાંસદોએ બિલની કોપી ફાડી કાગળ ફેંક્્યા
(એજન્સી)નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું.જેમાં કોઈપણ ગુના હેઠળ વડાપ્રધાનથી માંડી કોઈપણ મંત્રીને પાંચ વર્ષ કે તેથી વધુ સમયની જેલની સજા હેઠળના ગુના માટે સળંગ ૩૦ દિવસ સુધી ધરપકડ કે અટકાયત કરવામાં આવે તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે. આ બિલનો વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ નોંધાવતાં લોકસભાની કાર્યવાહી ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આ બિલનો વિરોધ કરતાં કહ્યું છે કે, આ સત્તાના પૃથક્કરણનું ઉલ્લંઘન કરે છે. કાર્યકારી એજન્સીઓએ જજ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા નિભાવવાનો અધિકાર આપે છે. આ બિલ બિન-ચૂંટાયેલા લોકોને જલ્લાદની ભૂમિકા ભજવવાની સત્તા આપશે. આ બિલની અનુચ્છેદનો ઉપયોગ સરકારને અસ્થિર કરવામાં થશે.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, કાલે, તમે કોઈપણ મુખ્યમંત્રી વિરૂદ્ધ કોઈપણ કેસ નોંધી શકો છો. તેને સાબિત કર્યા વિના ૩૦ દિવસ સુધી જેલમાં રાખશો… અને સત્તા છીનવી લેશો. આ બિલ સંપૂર્ણપણે બંધારણ વિરોધી છે. કેન્દ્ર સરકારે આજે લોકસભામાં કુલ ત્રણ બિલ રજૂ કર્યા છે. જેમાં બંધારણ (૧૩૦મો સુધારો) બિલ, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર બિલ.
આ ત્રણેય બિલ સંપૂર્ણપણે એક નવું કાયદાકીય માળખું રજૂ કરે છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ઘણીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરે છે અને પાર્ટીથી અલગ નિવેદનો આપે છે, તેમણે ફરી એકવાર પોતાની પાર્ટી કોંગ્રેસથી જુદું નિવેદન આપ્યું છે. થરૂરે ગુનાહિત ઈતિહાસ ધરાવતા મુખ્યમંત્રીઓ, વડાપ્રધાનો અને મંત્રીઓને પદ પરથી હટાવવા માટેના પ્રસ્તાવિત બિલને સમર્થન આપ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમણે કહ્યું કે, ‘જો તમે ૩૦ દિવસ જેલમાં વિતાવો, તો શું તમે મંત્રી તરીકે રહી શકો? આ સામાન્ય સમજની વાત છે. મને આમાં કંઈપણ ખોટું નથી લાગતું.’ એવી પણ માહિતી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બિલ રજૂ કર્યા પછી તેને સંસદની એક સંયુક્ત સમિતિને મોકલવા માટે લોકસભામાં પ્રસ્તાવ પણ રજૂ કરશે.
આ અંગે થરૂરે કહ્યું કે, ‘જો આ બિલને અભ્યાસ માટે સમિતિ પાસે મોકલવામાં આવે તો તે સારી વાત હશે. મને લાગે છે કે સમિતિની અંદર ચર્ચા થવી એ આપણા લોકતંત્ર માટે સારી વાત છે.’ કેન્દ્ર સરકાર બુધવારે સંસદમાં એક બિલ રજૂ કરવા જઈ રહી છે, જેમાં ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ અથવા કસ્ટડીમાં લેવાયા હોય તેવા વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી અથવા મંત્રીને પદ પરથી હટાવવાની જોગવાઈ છે.
જોકે, વિરોધ પક્ષો આ બિલનો સખત વિરોધ કરી રહ્યા છે. આ બિલનો સૌથી વધુ વિરોધ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કર્યો છે. પ્રિયંકાએ આ કડક બિલની આલોચના કરતાં કહ્યું કે, ‘કાલે, તમે કોઈ પણ મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ પણ કેસ દાખલ કરી શકો છો, તેને દોષિત ઠરાવ્યા વિના ૩૦ દિવસ માટે ધરપકડ કરી શકો છો. અને પછી તે મુખ્યમંત્રી નહીં રહે? આ સંપૂર્ણપણે બંધારણ વિરોધી છે.’
ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં રજૂ થયેલા ૧૩૦મા બંધારણીય સુધારા બિલ ૨૦૨૫માં એવું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે કે વડાપ્રધાનથી લઈને મુખ્યમંત્રી અને મંત્રી સુધી, જો કોઈ પણ મંત્રીની ધરપકડ થાય અને તે સતત ૩૦ દિવસથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં જેલમાં રહે, તો તેણે ૩૧મા દિવસે રાજીનામું આપવું પડશે અથવા તેને પદ પરથી બરતરફ કરી દેવામાં આવશે.