ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર

(એજન્સી)નવીદિલ્હી, હવે દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે. લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરી દેવાયું છે. એવું કહેવાય છે કે, આ બિલને મંજૂરી મળ્યા પછી સરકાર ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનારી હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે.
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને મંજૂરી મળી છે. હવે રાજ્યસભામાં આ ઠરાવ પસાર કરવામાં આવશે. નવા બિલમાં અમુક ઓનલાઇન ગેમ્સને પ્રતિબંધિત કરવાની જોગવાઈઓ સામેલ છે. કુટેવ, નાણાકીય જોખમ અને સામાજિક અસરને પ્રોત્સાહન આપતી ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
વધુમાં Âસ્કલ આધારિત ગેમ જેમ કે, ચેસ, ક્વિઝ, ઈ-સ્પોર્ટ્સે દર્શાવવાનું રહેશે કે, આ ગેમ સ્કિલ આધારિત છે કે તક આધારિત. દરેક પ્લેટફોર્મ પર કેવાયસી અને ડેટા પ્રોટેક્શન નિયમ લાગુ કરાશે.
સગીરો માટે ટાઇમ લીમિટ, ખર્ચ મર્યાદા અને પેરન્ટલ કંટ્રોલ અનિવાર્ય રહેશે. તેમજ સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી બેટિંગ ગેમ્સ પર પ્રતિબંધ લાદવામાં આવશે. વિવિધ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના આશરે ૨૨ કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી ૧૧ કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે. ભારતમાં ઓનલાઈન ગેમિંગનું માર્કેટ ૩ અબજ ડૉલરથી વધુ છે.