Western Times News

Gujarati News

મણીનગરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે બંધનું એલાન

સેવન્થ-ડે શાળાના વિદ્યાર્થીની હત્યાથી વાલીઓમાં રોષ ભભૂક્યો –સ્કૂલના જ વિદ્યાર્થીએ છરીના ઘા મારતાં અન્ય વિદ્યાર્થીનું મોત નિપજતા સેવન્થ-ડે સ્કૂલ સમગ્ર દેશમાં વિવાદનું એપી સેન્ટર બન્યું, વાલીઓએ સ્ટાફને ફટકાર્યો – પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ

અમદાવાદ, અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જાણીતી સેવન્થ-ડે સ્કૂલમાં ભણતાં એક વિદ્યાર્થીને તે જ શાળામાં ભણતા અન્ય વિદ્યાર્થીએ મંગળવારે છરીના ઘા માર્યા હતા જેના પગલે આ વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં શાળામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોડી રાત્રે સારવાર દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ વિદ્યાર્થીનું મોત નિપજતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20 ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો. જે બાદ આજે (21 ઓગસ્ટ) યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને લઇને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી 500 મીટર દૂર સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંધના એલાનને સવારથી મિત્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ છે. સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે. તો મણીનગર, ખોખરા, ઇસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે.

વહેલી સવારથી જ ઉશ્કેરાયેલા વાલીઓ શાળા સંકુલમાં પહોંચી ગયા હતા અને પ્રિÂન્સપાલ અને શિક્ષકો ઉપર ઘોરબેદરકારીનો આક્ષેપ મૂકી તોડફોડ કરી હતી. શૈક્ષણિક સ્ટાફને પણ મારમાર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્કૂલ ઉપર આવી પહોંચી હતી પરંતુ ઉશ્કેરાયેલા ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ સમગ્ર ઘટના સમગ્ર દેશમાં ખૂબ જ ચર્ચાસ્પદ બની છે. બીજી બાજુ આ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને બે આરોપીઓની ધરપકડ પણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

શહેરની જાણીતી અને ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે શાળાના એક વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થીની છરી મારીને હત્યા કરી નાખ્યાની ઘટનાએ સમગ્ર અમદાવાદ સહિત સમગ્ર દેશમાં ચકચાર મચી ગઇ છે. જો કે ઘટના બાદ સ્થાનિક પોલીસે આરોપી સગીરની ધરપકડ કરી છે. સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સવારથી સેવન્થ ડે સ્કૂલના પરિસરમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. ઘાયલ વિદ્યાર્થીનું મોત થતા લોકોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ છે. વિદ્યાર્થીની હત્યા બાદ આ વાલીઓમાં ઘણો જ આક્રોશ છે કે, શાળાના પ્રિન્સિપાલ કે મેનેજમેન્ટમાંથી કોઈપણ ન તો પીડિત પરિવાર સાથે મુલાકાત કરી રહ્યા છે કે ન તો કોઇ પણ પ્રકારે જવાબ આપી રહ્યા છે.

આ શાળા પહેલાથી આ પ્રકારનાં અનેક બનાવોના કારણે બદનામ છે. વારંવાર રજુઆતો છતા પણ શાળા દ્વારા કોઇ પગલા નહી લેવાતા હવે આવી સ્થિતિ પેદા થઇ છે. એક વિદ્યાર્થીની હત્યા થઇ ચુકી છે. હજી પણ પોલીસ સ્ટાફ કોઇ પણ પ્રકારે કોઇની સાથે મુલાકાત લેવા કે અન્ય કોઇ કાર્યવાહી કરવા માટે પણ તૈયાર નથી.

ધારાસભ્ય અમુલ ભટ્ટે કહ્યું કે, હાલ તપાસ ચાલી રહી છે. તમે જે પ્રકારની વાત કરી રહ્યા છો તેવી વાતો મારી પાસે પણ આવ્યું છે. તે અંગેની તપાસ ચાલી રહી છે. સેવન્થ ડે શાળા અંગે ડીઇઓ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. તમે જે કહી રહ્યા છો તેવી કોઇ પણ વાત સામે આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. છોડવામાં કોઇને પણ નહી આવે તે બાબતનો ખાસ ખ્યાલ રાખજો. શાળા સંચાલકોએ લોકો સાથે વાતચીત કરવી જોઇએ.

સેવન્થ ડે શાળામાં મોટ પ્રમાણમાં વાલીઓ પહોંચ્યા હતા અને તેમણે તોડફોડ પણ કરી હતી. ત્યારે અચાનક એક મહિલા શાળાનાં એક રૂમમાં પહોંચી હતી અને ત્યાંથી છરો કાઢ્યો હતો. જેના પગલે સાબિત થાય છે કે આ શાળામાં હથિયારો એક સામાન્ય બાબત હતી. વિદ્યાર્થીઓ છરાઓ લઇને આવતા હોય અથવા શાળામાં છુપાવતા હોય તેવું બની શકે છે.

શાળામાં વાલીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે શાળા બહાર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. શાળા સંચાલકો ગુમ થઇ જતા હાજર લોકોએ શાળાના સ્ટાફને શોધી શોધીને માળ્યો હતો. વિવિધ શિક્ષકો અને મેનેજમેન્ટ સ્ટાફ સાથે પ્રદર્શનકારીઓએ મારામારી કરી હતી. શાળાના સ્ટાફને ફટકાર્યો હતો.

વિદ્યાર્થી હુમલો કર્યા બાદ ફરાર થઇ ગયો હતો. અન્ય એક વિદ્યાર્થી સાથે તેની ચેટ વાયરલ થઇ રહી છે. જેમાં તે નફ્‌ફટાઇથી કહી રહ્યો છે કે ચાકુ મે જ માર્યું હતું અને જે હાજર હતા તે લોકોને મારુ નામ કહેવું હતું ને. તે મને ધમકી આપતો હતો તો મે છરો મારી દીધો તે પ્રકારનાં મેસેજ અને તેની ચેટ હાલ વાયરલ થઇ રહી છે.

શાળા પર પ્રદર્શન કરી રહેલા વાલીઓએ શાળા અને વિદ્યાર્થીઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, મુસ્લિમ વિદ્યાર્થીઓ હિંદુ વિદ્યાર્થીઓને બળજબરી નોનવેજ ખવડાવતા હતા. આ અંગે શાળાને વારંવાર રજુઆત કરવા છતા પણ શાળા દ્વારા કોઇ કડક પગલા લેવામાં આવ્યા નહોતા.

સેવન્થડે હત્યાકાંડમાં કાંઇ પણ ન ઉકાળી શકેલી પોલીસ આખરે મીડિયા પર ભડકી હતી. મીડિયા સાથે ગેરવર્તણુંક અને દાદાગીરી કરી હતી. મીડિયા કર્મચારીઓએ કે જે પોતાની ફરજ બજાવી રહ્યા હતા તેની સાથે ધક્કામુક્કી કરી હતી અને તેમની સાથે ગેરવર્તણુંક કરી હતી.

વિદ્યાર્થીનું મોત નિપજ્યાના સમાચાર આવતા જ શાળામાં ભણતા હિન્દુ વિદ્યાર્થીઓનાં વાલીઓએ શાળાનો ઘેરાવ કર્યો હતો. કોઇ સંતોષકારક જવાબ પોલીસ કે શાળા તરફથી નહી મળતા શાળામાં તોડફોડ કરી હતી. શાળાનાં તમામ ફર્નિચર અને અન્ય વસ્તુઓને ખેદાનમેદાન કરી નાખી હતી. હુમલાની ઘટનાને નજરે જોનારા વિદ્યાર્થીએ દાવો કર્યો કે શાળાનો કોઇ પણ સ્ટાફ વિદ્યાર્થીની મદદે આવ્યા નહોતા.

સિક્યુરિટી ગાર્ડ પણ સમગ્ર ઘટના જોઇ રહ્યો હતો છતા પણ તે મદદે આવ્યો નહોતો અને આખરે સાથી વિદ્યાર્થીઓએ જ તેને રિક્ષા કરીને હોસ્પિટલ ખસેડ્‌યો હતો. જેથી શાળા દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ ખોટા સાબિત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.