Western Times News

Gujarati News

પોલીસ બંદોબસ્ત સાથે નીકળી વિદ્યાર્થીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં જોડાયા લોકો

આ અંતિમ યાત્રા મૃતકની શાળા આગળથી પસાર કરવામાં આવશે અંતિમ યાત્રાના દ્રશ્યોમાં લોકોની ભારે ભીડ જોવા મળી

અમદાવાદ,  અમદાવાદના ખોખરામાં ધોરણ ૮ના વિદ્યાર્થીએ ધોરણ ૧૦ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જો કે, બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપાલ અને સ્ટાફને માર્યા હતા અને ભારે તોડફોડ પણ કરી હતી. હાલ, મૃતક વિદ્યાર્થીની સ્મશાન યાત્રા કાઢવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.

મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા કાઢી તેના અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી છે. આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. જોકે, કોઈ અનપેક્ષિત ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ અંતિમ યાત્રા મૃતકની શાળા આગળથી પસાર કરવામાં આવશે. અંતિમ યાત્રાના દ્રશ્યોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોના આંખોમાં આંસુ અને વિદ્યાર્થીને ન્યાય મળે તે માટેની માંગ છે.

જોકે, આ મુદ્દે ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓએ શાળા સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું કે, ૩૦ મિનિટ સુધી વિદ્યાર્થી તરફડિયા મારતો હતો તો પણ કોઈ મદદ માટે નહતું આવ્યું.પ્રત્યક્ષદર્શી શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, ‘ઘટનાસ્થળે સિક્્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટી ટીચર્સ હાજર હતા, તેમ છતા કોઈ મદદ માટે નહોતું આવ્યું.

લગભગ ૩૦ મિનિટ સુધી વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં ત્યાં તરફડિયા મારી રહ્યો હતો, તેમ છતાં કોઈ મદદ માટે નહતું આવ્યું. હુમલો કરનાર છોકરો તો તુરંત ત્યાંથી પેટમાં ચાકુ ભોંકીને ભાગી ગયો હતો. પરંતુ, આ વિદ્યાર્થી લોહી નીકળવાના કારણે બેભાન થઈ ગયો હતો. હું અને મારા મિત્રો તરત ત્યાં પહોંચ્યા અને તેને રિક્ષામાં બેસાડ્યો હતો. તેમ છતાં સિક્્યોરિટી ગાર્ડ કે કોઈ અમારી મદદે ન આવ્યા અને ઊભા-ઊભા જોતા રહ્યા. બાદમાં વિદ્યાર્થીને સરદાર પટેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.’

મળતી માહિતી મુજબ, ગઈકાલે બનેલી હત્યાની ઘટના બાદ વિદ્યાર્થી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતો. જોકે, બુધવારે (૨૦ ઓગસ્ટ) વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીના મોત બાદ પરિવાર અને સમાજ રોષે ભરાયો હતો. પરિવાર અને સિંધી સમાજના લોકો સ્કૂલમાં ઘૂસી ગયા હતા અને પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે ઝપાઝપપી કરી હતી. એટલું જ નહીં, સ્કૂલમાં ભારે તોડફોડ પણ કરી હતી. આ સિવાય ટોળાઓ દ્વારા શિક્ષકો અને પ્રિન્સિપાલને માર મારવામાં આવ્યો હતો.

આ સિવાય ટોળાએ દ્વારા ન્યાય આપોના બેનર સાથે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમજ પરિવાર દ્વારા ન્યાય ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીના મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. તેમજ વિરોધ કરી રહેલા લોકોએ રસ્તા પર બેસી ન્યાય માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. વાલીઓ દ્વારા રોડ પર બેસી જઈ રસ્તા રોકવામાં આવી રહ્યા છે.

આ મુદ્દે સ્કૂલના એડમિનિસ્ટ્રેટર મયુરિકા પટેલે કહ્યું કે, અમે બાળક આરોપી સામે પગલાં લીધા જ હતા. આ પહેલાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પણ પગલાં લેવાયા હતા. આ ઘટના સ્કૂલ બહાર રોડ પર બની હતી, જે વિશે અમને જાણ પણ નથી. અમે આરોપી બાળક સામે એક્શન લઇશું અને તેને એલસી આપી દઇશું. બાળક સ્કૂલમાં છરી લઈને નહતો આવ્યો તેણે બહાર ગાડીમાં રાખી હતી. આ ઘટના સ્કૂલ બહાર બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.