મૃત સરકારી કર્મીની અપરિણીત, વિધવા પુત્રી પેન્શનની હકદાર: કેન્દ્ર

નવી દિલ્હી, મૃત સરકારી કર્મચારીઓની અપરિણીત, વિધવા અથવા છૂટાછેડા લીધેલી પુત્રીઓ કેટલીક ચોક્કસ શરતોને આધિન ફેમિલી પેન્શન મેળવવા માટે હકદાર છે. જો પુત્રી માતાપિતા પર આશ્રિત હોય તો તેને પેન્શનના લાભ મળી શકે છે. પુત્રી લગ્ન ન કરે અથવા ફરીથી લગ્ન ન કરે અથવા પોતાનું ગુજરાન ચલાવવાનું શરૂ ન કરે ત્યાં સુધી ફેમિલી પેન્શન સુધી ચાલુ રહે છે.
લોકસભામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય કર્મચારી પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે મૃત સરકારી કર્મચારી અથવા પેન્શનરની છૂટાછેડા લીધેલી, વિધવા પુત્રીને પેન્શન મળે તે સુનિશ્ચિત કરવા માટે સેન્ટ્રલ સિવિલ સર્વિસ (પેન્શન) રૂલ્સ ૨૦૨૧માં કેટલીક જોગવાઇઓ કરાઈ છે. રેલ્વે અને સંરક્ષણ કર્મચારીઓ અને પેન્શનરો માટે અલગ નિયમો હેઠળ સમાન જોગવાઈઓ કરાઈ છે.
નિયમોની સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે જો મૃત સરકારી કર્મચારી અથવા પેન્શનર્સના ફેમિલી પેન્શનને ચાલુ રાખવા માટે જીવનસાથી અથવા લાયક પુત્ર ન હોય અથવા તેઓ મૃત્યુ પામ્યા હોય અથવા શરતો પૂર્ણ ન કરતાં હોય તો ફેમિલી પેન્શન અપરિણીત, વિધવા અથવા છૂટાછેડા લીધેલી પુત્રીને ચૂકવવાપાત્ર રહેશે.
પ્રધાને આવા પેન્શન માટે બીજી કેટલીક શરતોનો પણ ઉલ્લેખ કર્યાે હતો. વિધવા પુત્રીના કિસ્સામાં પતિનું મૃત્યુ સરકારી કર્મચારીના જીવનકાળ દરમિયાન થયેલું હોવું જોઇએ. છૂટાછેડા લીધેલી પુત્રીના કિસ્સામાં તેના છૂટાછેડા પણ સરકારી કર્મચારીના જીવનકાળ દરમિયાન થયેલા હોવા જોઇએ.SS1MS