રાજ્યપાલ બીજી વખત આવેલા બિલો રાષ્ટ્રપતિને મોકલી શકે નહીંઃ સુપ્રીમ

નવી દિલ્હી, રાજ્યોના બિલોને મંજૂરી અંગેના રાષ્ટ્રપતિના રેફરન્સ અંગે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભાની બહાલી પછી બીજી વખત તેમની સમક્ષ મોકલવામાં આવેલા બિલોને રાજ્યપાલ વિચારણા માટે રાષ્ટ્રપતિને મોકલી શકે નહીં. તેમની સમક્ષ બીજી વખત આવેલા બીલને પણ રાજ્યપાલ રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે તેવી કેન્દ્રની રજૂઆત પછી મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે આ અવલોકન કર્યાં હતાં.
બંધારણની કલમ ૨૦૦ હેઠળ રાજ્યપાલે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને સંમતિ આપવી પડે છે અથવા તેઓ સંમતિ રોકી શકે છે અથવા તેઓ રાષ્ટ્રપતિને વિચારણા માટે મોકલી શકે છે. જો નાણા બિલ ન હોય તો રાજ્યપાલ પાસે બિલને પુનર્વિચારણા માટે વિધાનસભામાં પાછું મોકલવાની પણ સત્તા છે. આમ રાજ્યપાલ પાસે બિલ અંગે નિર્ણય કરવાના ચાર વિકલ્પો છે.
ખંડપીઠે જણાવ્યું હતું કે જો ચોથો વિકલ્પ (બિલને પુનર્વિચાર માટે વિધાનસભામાં પરત કરવાનો)નો રાજ્યપાલ ઉપયોગ કરે તો પછી સંમતિ રોકવાનો અથવા બિલને રાષ્ટ્રપતિને મોકલવાનો વિકલ્પ રદ થઈ જાય છે.
જો રાજ્યપાલ બિલોને પુનર્વિચારણા માટે વિધાનસભામાં પરત કર્યા વગર ફક્ત મંજૂરી રોકવાનો નિર્ણય લે છે, તો તે ચૂંટાયેલી સરકારોને રાજ્યપાલની ઇચ્છાઓની ઇચ્છાઓને આધિન બની જાય છે.
જો રાજ્યપાલ અનિશ્ચિત સમય માટે સંમતિ રોકી રાખે તો બહુમતીના સમર્થનથી રચાયેલી સરકારો એક બિનચૂંટાયેલા નિયુક્ત વ્યક્તિની દયા પર નિર્ભર બને છે.કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે બંધારણ હેઠળ રાજ્યપાલ કરતાં રાષ્ટ્રપતિને વધુ સત્તા મળેલી છે અને જો તેઓ બિલોને મંજૂરી આપવા માટે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ ન કરી શકે તો તેમનો હોદ્દો માત્ર પોસ્ટમેનનો બની જાય છે.SS1MS