મુંબઈમાં પર્યુષણમાં કતલ ખાના બંધ નહીં રહેઃ હાઈકોર્ટ

નવી દિલ્હી, બોમ્બે હાઈકોર્ટે બુધવારે મુંબઈમાં પર્યુષણ પર્વ નીમિત્તે ૧૦ દિવસ માટે કતલ ખાના બંધ રાખવાની માગ કરનાર જૈન સમાજને કોઈ રાહત આપી નહતી. ચીફ જસ્ટિસ આલોક અરાધે અને ન્યાયમૂર્તિ સંદીપ માર્નેની ખંડપીઠે જણાવ્યું કે, તેઓ જૈન સમાજની લાગણીનું સન્માન કરે છે પરંતુ આ અધિકાર તેમને ક્યાંથી પ્રાપ્ત થયો છે.
બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પાેરેશન (બીએમસી) કમિશનર દ્વારા શહેરમાં કતલ ખાના ફક્ત બે દિવસ બંધ રાખવાનો આદેશ ૧૪ ઓગસ્ટે જાહેર કર્યાે હતો. આ આદેશને અરજદારોએ હાઈકોર્ટમાં પડકારતી અરજી કરી હતી. બીએમસી કમિશનરે એવું કારણ આપ્યું હતું કે, શહેરમાં જૈન સમાજની વસ્તી ઘણી ઓછી છે.
અરજદારો દ્વારા કોઈ કેસ ઉપસ્થિત કરાયો ના હોવાથી બોબ્બે હાઈકોર્ટે રાહત આપવાનો ઈનકાર કર્યાે હતો. દિગંબર જૈનોના પવિત્ર પર્યુષણ પર્વનો ૨૦ ઓગસ્ટથી પ્રારંભ થયો છે અને ૨૭ ઓગસ્ટ સુધી ચાલશે. જ્યારે શ્વેતાંબર સમુદાય ૨૧થી ૨૮ ઓગસ્ટ વચ્ચે આ પર્વ મનાવશે. બોમ્બે હાઈકોર્ટે બુધવારે અરજદારોને સવાલ કર્યાે કે ૧૦ દિવસ કતલ ખાના બંધ રાખવાની માગ સાથેનો અધિકાર તેમને ક્યાંથી પ્રાપ્ત થયો છે તે જણાવે.
બીએમસીએ કોર્ટને માહિતી આપતા કહ્યું કે, સરકારે શહેરમાં કતલ ખાના બંધ રાખવા માટે વર્ષમાં ૧૬ દિવસ નિર્ધારિત કર્યા છે. આ મામલે બોમ્બે હાઈકોર્ટે બીએમસી અને રાજ્ય સરકારને નોટિસ આપી જવાબ રજૂ કરવા સાથે બે સપ્તાહ પછી સુનાવણી નિર્ધારિત કરી છે.
અરજીમાં પર્યુષણને અહિંસાનું પર્વ ગણાવાયું છે અને આ પવિત્ર પર્વમાં કતલ ખાના ચાલુ રખાતા જૈનોની લાગણીઓને ઠેસ પહોંચે છે તેવી દલીલ કરાઈ છે.
બીએમસીએ તેના ૧૪ ઓગસ્ટના આદેશને ટાંકીને કોર્ટને જણાવ્યું કે શહેરમાં ૨૪ અને ૨૭ ઓગસ્ટ એમ બે દિવસ કતલ ખાના બંધ રહેશે.એક અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રસાદ ધકપહલકરે કોર્ટને હળવા ટોનમાં જણાવ્યું કે, જૈનો માટે કતલ ખાના બંધ રાખવા માટે બીએમસી અને સરકારને મનાવવાને બદલે કદાચ રાજા અકબરને મનાવવા વધુ સરળ હોત. અકબરે અમદાવાદમાં છ માસ સુધી કતલ પર પ્રતિબંધ મૂક્યો હતો.SS1MS