સીલ ફેક્ટરીમાં બેંકે મૂકેલા બે ગાર્ડે અલગ અલગ વસ્તુઓ મળીને ૧૩.૮૭ લાખની ચોરી કરી

અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યના કેરાળા જીઆઇડીસીમાં આવેલી એક ફાર્મા કંપનીના માલિકે લોન લીધી હતી. જે લોન ભરપાઇ ન કરી શક્તા જે તે સમયે બેંક દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.
આ મિલકતનો કબજો બેંકે લઇને ત્યાં ખાનગી સિક્યોરિટી ગાર્ડ મૂક્યા હતા. લોન ભરપાઇ કર્યા બાદ માલિકને મિલકતનો કબજો પરત મળી જતાં તેમાં ચોરી થયાનું સામે આવ્યું હતું. ફેક્ટરીમાંથી અલગ અલગ વસ્તુઓ મળીને ૧૩.૮૭ લાખની ચોરી થઇ હતી. જે ચોરી કરનાર સિક્યોરિટી ગાર્ડ હોવાનું સામે આવતા કેરાળા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના આસીફભાઇ મુસ્લિમ અમદાવાદ ગ્રામ્યના કેરાળા જીઆઇડીસીમાં વર્ષ ૨૦૧૬થી ફાર્મા કંપની ધરાવે છે. આ કંપનીમાં એલોપેથીક દવા બને છે અને આસીફભાઇએ સાડા ચાર કરોડની લોન લીધી હતી.
જોકે, વર્ષ ૨૦૨૪માં આર્થિક તંગીના કારણે તેમણે ત્રણ હપ્તા ચૂકવ્યા નહોતા. જેના કારણે બેંકે તેમનું ખાતુ એનપીએ કર્યું હતું અને ૨.૯૪ કરોડ ભરવાની નોટિસ આપી હતી. આસીફભાઇએ ૨.૯૪ કરોડ પૈકી રૂ. ૧.૦૧ કરોડ ભરી દીધા હતા. બાદમાં બેંક દ્વારા આસીફભાઇની આ મિલકત સીલ કરીને પોતાના કબજામાં લઇ લીધી હતી. જ્યાં બેંકે ખાનગી સિક્યોરિટી કંપનીના ગાર્ડ મૂકી દીધા હતા.
ગત તા.૨૩ મે ના રોજ આસીફભાઇએ બેંકનું તમામ લેણું ચૂકવીને લોન ક્લિયર કરી દેતા બેંકે સીલ હટાવીને ચાવી આપીને કબજો આસીફભાઇને સોંપી દીધો હતો.
જોકે તે સમયે તપાસ કરતા ફેક્ટરીમાંથી એસીના ઇનડોર, આઉટડોર, પંખા, ટીવી, કોમ્પ્રેસરની મોટર, વેક્યુમ પંપ, અલગ અલગ પાટ્ર્સ સહિત ૧૩.૮૭ લાખની મતા ચોરી થઇ હતી. આસીફભાઇએ તપાસ કરતા સિક્યોરિટી ગાર્ડ શશીકાંત અને મનીષકુમારે ચોરી કરીને વસ્તુઓ ભંગાર વાળાને વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે કેરાળા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.SS1MS