Western Times News

Gujarati News

નાના ભાઇના પરિવારે મોટા ભાઇ પર નજીવી બાબતે ચાકુ વડે હુમલો કર્યાે

AI Image

આ મામલે મોટાભાઇએ શાહીબાગ પોલીસ મથકમાં નાના ભાઇ અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી

અમદાવાદ,  શહેરના શાહીબાગ વિસ્તારમાં કોડીઓ રમવાની તકરારમાં નાના ભાઇના પરિવારે મોટા ભાઇ પર ચાકુ વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાંખ્યો હતો. જેથી મોટા ભાઇને સિવિલ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે મોટાભાઇએ શાહીબાગ પોલીસ મથકમાં નાના ભાઇ અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે.

શહેરના શાહીબાગ વિસ્તારમાં રમેશભાઇ લલ્લુભાઇ પટણી પરિવાર સાથે રહે છે અને છુટક મજૂરી કરે છે. રમેશભાઇની પાડોશમાં જ નાનો ભાઇ રાજેશ પટણી પણ તેમના પરિવાર સાથે રહે છે. ગઇકાલે રમેશભાઇ સાંજે ૭ વાગ્યે પોતાના ઘરે હાજર હતા ત્યારે રાજેશભાઇ તેમનો દીકરો સન્ની તથા બીજા લોકો તેમના ઘરની આગળ ટોળું વળી ખુલ્લી જગ્યામાં કોડીની રમત રમી રહ્યાં હતાં અને જોર જોરથી બોલી રહ્યાં હતાં.

જેથી રમેશભાઇ ઘર બહાર ગયા હતા અને નાના ભાઇ રાજેશ તથા તેના દીકરા સન્નીને કોડીની રમત દૂર જઇ રમવા કહ્યું હતું. ત્યારે રાજેશ ઉશ્કેરાઇ ગયો હતો અને અમે અહીંયા જ રમત રમીશું તમને શું થાય છે જે થાય તે કરી લો. આટલું કહ્યાં બાદ તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. તે સમયે રાજેશની પત્ની ભારતીબહેન પણ ત્યાં આવી ગઇ હતી.

ત્રણે ભેગા થઇ રમેશભાઇને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયલો સન્ની ક્યાંકથી ચાકુ લઇ આવ્યો હતો અને એક ઘા રમેશભાઇને મારી દેતા રમેશભાઇ લોહીલુહાણ થઇ ગયા હતા. આ સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી ગયા હતા અને તેમને છોડાવ્યા હતા. ત્યારબાદ ૧૦૮ મારફતે તેમને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

આ અંગે શાહીબાગ પોલીસને જાણ થતા પોલીસ પણ સિવિલ પહોંચી હતી. જ્યાં રમેશભાઇએ નાનાભાઇ રાજેશ, રાજેશના દીકરા સન્ની અને તેમની પત્ની ભારતી ઉર્ફે ટીની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.