GSTમાં ૧૨% અને ૨૮%ના સ્લેબ દૂર કરાશે તો શું સસ્તું થશે?

AI Image
જેના અમલથી જીએસટી આવક વાર્ષિક રૂ. ૯૭૦૦ કરોડનું નુકસાન થવાની ભીતિ છે.
જીએસટી દરોને તર્કસંગત બનાવવા અંગે રાજ્યોના નાણામંત્રીઓના જૂથની મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સ્વીકારાયો -હાનિકારક ચીજવસ્તુઓ પર થઈ શકે છે ૪૦% દર લાગુ
નવી દિલ્હી, કેન્દ્ર સરકારનો જીએસટી સ્લેબમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ ગ્રૂપ આૅફ મિનિસ્ટર્સની બેઠકમાં સ્વીકારવામાં આવ્યો છે. દિવાળી સુધીમાં જીએસટીનો ૧૨ ટકા અને ૨૮ ટકાનો સ્લેબ દૂર થવાની સંભાવના પ્રબળ બની છે.
કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબમાં સુધારાના પ્રસ્તાવને આજે ગ્રૂપ આૅફ મિનિસ્ટર્સની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે જીએસટીના સ્લેબ ચારથી ઘટાડી બે કરવા ભલામણ કરી હતી. જીએસટીમાં હાલ ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા એમ ચાર સ્લેબ લાગુ છે. જે ઘટાડી ૫ ટકા અને ૧૮ ટકા કરવાની દરખાસ્ત થઈ હતી.
બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ યોજાયેલી છ સભ્યોની ગ્રૂપ આૅફ મિનિસ્ટર્સએ કેન્દ્ર સરકારના ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર ટેક્સ સ્લેબ ઘટાડી ૫ ટકા અને ૧૮ ટકા કરવાની માગ સ્વીકારી છે. તેમજ લકઝરી અને હાનિકારક પદાર્થો પર જીએસટી ૪૦ ટકા લાગુ કરવાની ભલામણને પણ મંજૂરી આપી છે. ર્ય્ંસ્ની બેઠકમાં ઉત્તર પ્રદેશના નાણા મંત્રી સુરેશ કુમાર ખન્ના, રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્રસિંહ, પશ્ચિમ બંગાળના નાણા મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય, કર્ણાટકના રેવેન્યુ મંત્રી ક્રિષ્ના ગોવડા, અને કેરળના નાણા મંત્રી કેએન બાલાગોપાલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંબોધી હતી.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગ્રૂપ આૅફ મિનિસ્ટર્સની બેઠકને સંબોધતા કહ્યું હતું કે, જીએસટીના દરોમાં સુધારો સામાન્ય પ્રજા, ખેડૂતો, મધ્યમ વર્ગ તેમજ એમએસએમઈને મોટી રાહત આપશે. જે કરમાળખામાં સુલભતા અને પારદર્શકતા વધારશે. તેમજ દેશના વિકાસને વેગ આપશે.
જીએસટી સ્લેબમાં ઘટાડો કરવાથી ૧૨ ટકા અને ૨૮ ટકાના સ્લેબમાં સામેલ ચીજવસ્તુઓ અને સેવાઓને ૫ ટકા અને ૧૮ ટકાના સ્લેબમાં આવરી લેવામાં આવશે. જેમાં ૧૨ ટકાના સ્લેબમાં સામેલ ૯૯ ટકા ગુડ્સ એન્ડ સર્વિસને ૫ ટકા જ્યારે ૨૮ ટકાના સ્લેબમાં સામેલ ૯૦ ટકા ચીજવસ્તુઓને ૧૮ ટકાના સ્લેબમાં આવરી લેવામાં આવશે.
આ પગલાંથી જીએસટી વધુ સુલભ બનશે તેમજ તેનું વ્યાપક નિયમન થઈ શકશે. ગ્રૂપ આૅફ મિનિસ્ટર્સએ કેન્દ્ર સરકારના હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પર જીએસટી ઘટાડવાની ભલામણની પણ સમીક્ષા કરી હતી. જેના અમલથી જીએસટી આવક વાર્ષિક રૂ. ૯૭૦૦ કરોડનું નુકસાન થવાની ભીતિ છે. તેમ છતાં મોટાભાગના રાજ્યોએ આ સુધારાને સમર્થન આપ્યું છે.
જેથી પોલિસીધારકોને લાભ મળી શકે. જીએસટી કાઉન્સિલ આ મામલે આગામી બેઠકમાં નિર્ણય લેશે. તેમજ જીએસટી સ્લેબમાં ઘટાડાની દરખાસ્તને આગામી બેઠકમાં અંતિમ મંજૂરી આપી શકે છે. આજે નાણા મંત્રીઓના જૂથની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારના જીએસટીના દરોને સરળ બનાવવા પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો છે.
હવે આ પ્રસ્તાવને આગામી દિવસોમાં યોજાનાર જીએસટીકાઉન્સિલની બેઠકમાં રજૂ કરવામાં આવશે અને આ બેઠકમાં જ ફાઈનલ નિર્ણય લેવામાં આવશે. જીએસટીના મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે દરોને તર્કસંગત બનાવવાથી સામાન્ય માણસ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ રાહત મળશે.
ઉપરાંત, એક સરળ અને પારદર્શક કર વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. નોધનીય છે કે, હાલમાં ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના દરે જીએસટી લાગુ થાય છે. ખાદ્ય અને આવશ્યક વસ્તુઓ પર શૂન્ય અથવા ૫ ટકા જીએસટી લાગે છે. જ્યારે લક્ઝરી અને તમાકુ જેવી વસ્તુઓ પર ૨૮ ટકા જીએસટી લાગે છે, આ ઉપરાંત આ વસ્તુઓ પર સેસ પણ લાગે છે.