GPSથી ૨૪ કલાક બસ ટ્રેકિંગ, ૫૬૨ બસોનું કંટ્રોલ રૂમથી સતત નજર

પ્રતિકાત્મક
ચોમાસામાં વરસાદ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા મુસાફરોની સુરક્ષા માટે રચવામાં આવી છે
રાજકોટ, સૌરાષ્ટ્રમાં ચોમાસાની ઋતુ દરમિયાન ધોધમાર વરસાદને કારણે ગામડાંઓથી લઈને શહેરો સુધી પાણી ભરાવાની સમસ્યા વારંવાર સર્જાય છે. નદી-નાળા અને કોઝવેમાં પાણી ભરાતાં અકસ્માતોનું જોખમ પણ વધે છે. આવી પરિસ્થિતિમાં મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા રાજકોટ એસટી ડિવિઝને ટેકનોલોજીનો સહારો લઈ એક નવતર પહેલ શરૂ કરી છે.
રાજકોટ એસટી વિભાગે ૧૫ જૂનથી ૩૦ સપ્ટેમ્બર સુધી ખાસ કમાન્ડ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે, જે દ્વારા તમામ એસટી બસોનું ય્ઁજી સિસ્ટમ વડે ૨૪ કલાક ટ્રેકિંગ કરવામાં આવે છે. વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું કે, ચોમાસામાં વરસાદ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા મુસાફરોની સુરક્ષા માટે રચવામાં આવી છે.
રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મળીને ૨૩ એક્સિડન્ટ ઝોન નક્કી કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સ્થિતિ ઉભી થાય તો કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક ચેતવણી આપવામાં આવે છે. આ માટે રૂટ પર દોડતી બસના કંડકટરને ફોન દ્વારા સૂચના આપવામાં આવે છે. જરૂર જણાય તો બસને નજીકના બસ સ્ટેશન પર રોકી દેવામાં આવે છે, જેથી કોઈ જાનહાનિ ન થાય.
રાજકોટ એસટી ડિવિઝન હેઠળ દરરોજ ૫૬૨ બસો દોડે છે, જેમાં અંદાજે ૧.૩૦ લાખ મુસાફરો મુસાફરી કરે છે. આ માટે વિભાગ પાસે ૧૦૬૪ ડ્રાઈવર અને ૧૪૪૦ કંડકટર કાર્યરત છે. ય્ઁજી ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા બસનું લોકેશન, રૂટનું નામ, સ્પીડ, તારીખ, સમય અને કંડકટરનો મોબાઈલ નંબર જેવી સચોટ માહિતી કંટ્રોલ રૂમમાં રીઅલ-ટાઇમમાં ઉપલબ્ધ રહે છે. આનાથી ચોમાસાની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક નિર્ણયો લઈ શકાય છે.
કંટ્રોલ રૂમમાં સવારે ૬થી ૨, બપોરે ૨થી ૧૦ અને રાત્રે ૧૦થી સવારે ૬ એમ ત્રણ શિફ્ટમાં સ્ટાફ કામ કરે છે. વરસાદને કારણે નદી-નાળા ઊફાન પર હોય તો બસોને પહેલા જ રોકી દેવાની સૂચના આપવામાં આવે છે. જો કોઈ બસ પાણીમાં ફસાઈ જાય, તો તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને જાણ કરવામાં આવે છે, જેથી ત્વરિત બચાવ કાર્યવાહી શરૂ કરી શકાય.
વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું, “મુસાફરોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. વરસાદ અંગે જિલ્લાના વહીવટી તંત્ર પાસેથી મળેલી માહિતીના આધારે અમે તાત્કાલિક કંડકટર અને ડેપોને જાણ કરીએ છીએ. બસનું કેન્સલેશન કે મિલકતને નુકસાન થાય તો તેની વિગતો પણ કંટ્રોલ રૂમમાં નોંધાય છે.” આ વ્યવસ્થા દ્વારા મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવાની સાથે વહીવટી કાર્યક્ષમતા પણ વધે છે.
આ ચોમાસામાં રાજકોટ એસટી વિભાગે શરૂ કરેલી આ પહેલ ટેકનોલોજી આધારિત સુવ્યવસ્થા તરીકે નોંધાઈ રહી છે. ય્ઁજી અને કંટ્રોલ રૂમની મદદથી એસટી બસોમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે. આ પ્રયાસથી ચોમાસાની વિષમ પરિસ્થિતિમાં પણ મુસાફરો સલામત રીતે પોતાના ગંતવ્યે પહોંચી શકે છે.