ગૃહ ઉદ્યોગ દ્વારા વર્ષે રૂપિયા દોઢ લાખથી વધુની આવક મેળવતી મહિલાઓ

પ્રતિકાત્મક
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી જય અંબે સખી મંડળની બહેનો આત્મનિર્ભર બની
તલોદ, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામના ભાવનાબા જય અંબે સખી મંડળ સાથે જોડાઈ ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. ગૃહ ઉદ્યોગ થકી તેઓ અને ગામની અન્ય બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે.
ભારત સરકાર દ્વારા ર૦૧૧માં શરૂ કરાયેલ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની બહેનોને રોજગાર તથા સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરી તાલીમબધ્ધ કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણ અભિયાનને સાર્થક કરવાનું કામ અહીં કરવામાં આવી રહ્યું છે.
આ મંડળના ભાવનાબા હંસરાજસિંહ ઝાલા જણાવે છે કે તેમનું જય અંબે સખી મંડળ છેલ્લા બે વર્ષથી ગૃહ ઉદ્યોગ શરૂ કરી આત્મનિર્ભરતા તરફ પગલું ભર્યું છે.સખી મંડળની બહેનોએ મરચું, હળદર, ધાણા, જીરું જેવા ગરમ મસાલા તૈયાર કરે છે. તેઓ મસાલાનું સરકાર દ્વારા આયોજિત સખી મેળાઓ, સ્થાનિક બજારોમાં હોલસેલ વેચાણ તેમજ છૂટક ગામડાઓમાં વેચાણ કરે છે.
આ ઉદ્યોગ દ્વારા બહેનો વર્ષે દોઢ લાખથી વધુની આવક મેળવી રહ્યાં છે. જેના કારણે આજે તેઓ બાળકોને શિક્ષણ, પોતાની નાની-મોટી જરૂરિયાતો પરિવારમાં અન્ય સામાજિક ખર્ચ જેવી બાબતોમાં આત્મ નિર્ભર બન્યા છે.