વડોદરામાં માંડવી દરવાજાના પિલ્લરનો મોટોભાગ તૂટી પડયો

વડોદરા, વડોદરાની ઐતિહાસિક ધરોહર માંડવી દરવાજાના વધુ એક વખત પોપડા ખર્યા છે. બુધવારે પિલ્લરનો એક ભાગ તૂટીને નીચે પડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટના બનતા શ્રી વિઠ્ઠલ મંદિરના મહંત હરિ ઓમ વ્યાસ માંડવી ગેટ નીચે દોડી આવ્યા હતા અને ઐતિહાસિક ઈમારત પ્રત્યે ઉદાસીનતા દાખવનાર તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા.
ઐતિહાસિક ઈમારત માંડવીની જાળવણી માટે તપાસ કર્યા કરી રહેલા શ્રી વિઠ્ઠલ મંદિરના મહંત હરિ ઓમ વ્યાસે જણાવ્યું હતું કે, છેલ્લા ૧ર૯ દિવસથી તપ ચાલી રહ્યું છે. ચંપલ વગર રહેવાનું અને રોજ અહીંયા બપોરે ૧રથી ૪ ભગવાનનું નામ લઉં છું. કેમ કે મહાનગરપાલિકાને ઝડપથી હેરિટેજ એકસપર્ટ મળે અને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન જાળવણી ઝડપથી શરૂ થાય પરંતુ આજે ૧ર૯માં દિવસે પણ મહાનગર પાલિકા કે અન્ય કોઈપણ સરકારી એજન્સી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી.
સતત અમે જણાવીએ છીએ કે માંડવીના પિલ્લરની હાલત જર્જરિત થતી જાય છે. ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત થશે તો આજે ૧ર૯માં દિવસે જે ભાગ પિલ્લરમાંથી છૂટા પડી ગયા છે. એ બધા હવે ધરાશાયી થવા માંડયા છે અને આ ભાગ એટલા મોટા છે કે જો કોઈને વાગે તો જાનહાનિ થઈ શકે તેમ છે જે ભાગ જર્જિરત છે તેને ઉતારી લેવા માટે પાલિકાને રજૂઆત કરી છે કે જેથી કરીને કોઈ અકસ્માત થાય નહીં પણ પાલિકા સતત આની પાછળ પોતાની ઉદાસીનતા બતાવી રહી છે.