મિલકતોના ખરીદ-વેચાણના રજિસ્ટ્રીની પ્રક્રિયા ટૂંકમાં ઓનલાઈન કરાશે

ગાંધીનગર, રાજ્યમાં હાલ જમીન-મિલકતની ખરીદી કે વેચાણ બાદ સૌથી મહત્ત્વની બાબત તે, પ્રોપર્ટીની રજિસ્ટ્રી છે. આ કામ માટે બંને પાર્ટીઓએ રજિસ્ટ્રી કરાવવા માટે સબ રજિસ્ટ્રારની ઓફિસે રૂબરૂ જવું પડ છે. જેમાં સમય સાથે અન્ય અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
હવે જ્યારે ગુજરાત સરકાર ડિજિટલ ઈન્ડિયાને સથવારે તેની મોટાભાગના વિભાગોની સેવાઓને ઓનલાઈન કરી રહી છે ત્યારે ગુજરાત સરકાર આગામી દિવસોમાં પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન ઓનલાઈન કરવાની દિશામાં આગળ વધી રહી છે. જેના કારણે મિલકત ખરીદનાર કે વેચનાર પોતોના ઘર બેઠાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.
આ માટે તેમને જરૂરી દસ્તાવેજો અને નિયત કરાયેલી ફી ઓનલાઈન જ ભરવી પડી શકે છે. આ બાબત અત્યારે તો વિચારણાને તબક્કે છે, આગામી દિવસોમાં આ અંગેનો નિર્ણય લેવાયા બાદ તેનો સત્તાવાર હુકમ જારી કરાશે.
સૂત્રોની માહિતી અનુસાર હાલને તબક્કે આ સિસ્ટમ વૈકલ્પિક રહેશે. જો, તેમાં હકારાત્મક પ્રતિભાવ મળશે તો તેને ફરજિયાત કરાશે. ગુજરાતમાં હાલ ૫૮૨ જેટલી સબ રજિસ્ટ્રાર ઓફિસો છે પરંતુ તેમાં મુશ્કેલી એ છે કે, મોટાભાગની ઓફિસો પ્રમાણમાં નાની છે. પાર્કિંગ સહિતની અન્ય સુવિધાઓની અછત છે.
પરિણામ સ્વરૂપ આ ઓફિસોમાં રોજે-રોજ ભારે ભીડ ઉમટે છે. જેમાં મિલકત ખરીદદારો અને બિલ્ડર્સ બંનેને પરેશાની થાય છે. આ કારણે સરકાર ઓનલાઈન રજિસ્ટ્રી સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય ટૂંકમાં જ લાગુ કરાય તેવી સંભાવના નકારી શકાતી નથી.
નવા મોડલમાં ખરીદદાર વેચાણ કરનાર અને બિલ્ડર્સે પોતાના દસ્તાવેજ ઓનલાઈન અપલોડ કરવા પડશે. સંબંધિત સબ રજિસ્ટ્રાર ઓફિસ આ ડૉક્યુમેન્ટ્સની તપાસ કરીને મંજૂરી આપશે.
આ માટે રજિસ્ટ્રેશન વિભાગ મોટા બિલ્ડર્સ અને ડેવલપર એસોસિએશનને ખાસ સોફ્ટવેર ઉપલબ્ધ કરાવશે. આ સિસ્ટમની શરૂઆત વર્ષના અંત સુધીમાં કરી દેવામાં આવશે એમ મનાય છે. આ પ્રકિયામાં આધાર આધારિત ઓથેન્ટિકેશન પણ જોડવામાં આવશે એટલે કે ફિંગર પ્રિન્ટ અને આઇરિસ વેરિફિશનની સુવિધા પણ શરૂ કરાશે.
જોકે, ઓળખની આ રીતે પુષ્ટિ માટે બિલ્ડર્સને બાયોમેટ્રિક અને આઇરિસ સ્કેનર ખરીદવા પડી શકે છે.રજિસ્ટ્રી એ એક કાનૂની પ્રક્રિયા છે. જેમાં મિલકત જેના-તેના નામે ઓફિશિયલી રીતે નોંધાયેલી હોય છે.
આ પ્રક્રિયા સ્થાનિક રજિસ્ટ્રી આૅફિસમાં પૂર્ણ થાય છે અને તેમાં સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીની ચુકવણીનો સમાવેશ થાય છે. રજિસ્ટ્રેશન પછી જ ખરીદનાર પ્રોપર્ટીના કાયદેસરના માલિક બને છે અને તેમને પ્રોપર્ટી સંબંધિત તમામ અધિકારો મળે છે.SS1MS