મુંબઈની ટીમના સુકાનીપદેથી અજિંક્ય રહાણેનું રાજીનામું

મુંબઈ, ભારતના પીઢ ક્રિકેટર અજિંક્ય રહાણેએ ગુરુવારે મુંબઈની રણજી ટ્રોફી ક્રિકેટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું હતું. આમ આગામી રણજી ટ્રોફી સિઝનમાં તે માત્ર એક બેટ્સમેન તરીકે રમશે. રહાણે એવું કારણ આપ્યું હતું કે ટીમના નવા સુકાનીને તૈયાર કરવા માટે તથા યુવાનોને તક મળી રહે તે માટે આ નિર્ણય લીધો છે.
જોકે ૨૦૧ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૧૪ હજારથી વધારે રન ફટકારનારા ૩૭ વર્ષીય રહાણેએ જાહેર કર્યું હતું કે તે એક ખેલાડી તરીકે રમવાનું જારી રાખશે. રણજી ટ્રોફીની ૨૦૨૫-૨૬ની સિઝનનો ૧૫મી ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહ્યો છે જેમાં મુંબઈની ટીમ તેની પ્રથમ મેચમાં જમ્મુ એન્ડ કાશ્મીર સામે રમશે.
રહાણે આ જાહેરાત કરતાં તેના ઠ હેન્ડલ પર જણાવ્યું હતું કે મુંબઈની ટીમની આગેવાની લેવી અને ટીમને રણજી ટ્રોફી ચેમ્પિયન બનાવવી તે મારી કારકિર્દીની સન્માનજનક બાબત રહેશે.હવે નવી સિઝન શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે હું માનું છું કે નવા સુકાની તૈયાર કરવાનો આ યોગ્ય સમય છે અને તેથી જ મેં સુકાની તરીકેની ભૂમિકામાં આગળ નહીં ધપવાનો નિર્ણય લીધો છે.
એક ખેલાડી તરીકે હું મુંબઈની ટીમને મારું સંપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ રહીશ અને મુંબઈ ક્રિકેટને વધુને વધુ ટ્રોફી અપાવવા માટેની મારી યાત્રા જારી રાખીશ. આગામી સિઝનમાં રમવા માટે હું આતુર છું તેમ તેણે ઉમેર્યું હતું.રહાણેના નેતૃત્વ હેઠળ મુંબઈએ ૨૦૨૩-૨૪ની ફાઇનલમાં વિદર્ભને હરાવીને રણજી ટાઇટલ જીત્યું હતું.
આ ઉપરાંત રહાણેની આગેવાનીમાં જ મુંબઈએ ૨૦૨૪-૨૫માં રેસ્ટ ઓફ ઇન્ડિયાને હરાવીને ઇરાની કપ ટાઇટલ પણ જીત્યું હતું. ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ બે સિદ્ધિ અગાઉ અજિંક્ય રહાણે મુંબઈની ટી૨૦ ટીમનો સુકાની પણ રહી ચૂક્યો હતો જેણે ૨૦૨૨-૨૩માં સૈયદ મુસ્તાક અલી ટી૨૦ ટ્રોફી જીતી હતી.
આ પ્રકારની સિદ્ધિ સાથે તે ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના શ્રેષ્ઠ સુકાનીઓની હરોળમાં આવી ગયો હતો. ૨૦૨૧માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યાે ત્યારે વિરાટ કોહલીની ગેરહાજરીમાં રહાણેની આગેવાની હેઠળ ભારતે કાંગારું સામે ટેસ્ટ અને સાથે સાથે સિરીઝ પણ જીતી હતી.SS1MS