LPS USA રાષ્ટ્રીય સંમેલન 2025 : સંસ્કૃતિ, જ્ઞાન અને એકતાની અવિસ્મરણીય ઉજવણી

• 3000 થી વધુ લોકો સહભાગી બન્યા
ડલ્લાસ, ટેક્સાસ ખાતે 1 થી 3 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાયેલ એલપીએસ યુએસએ રાષ્ટ્રીય સંમેલન 2025 એ સંસ્કૃતિ, જ્ઞાન અને સમુદાય ભાવનાનું અનોખું સમન્વય સર્જ્યો. ત્રણ દિવસ સુધી ચાલેલા આ ભવ્ય સંમેલનમાં યુએસએ તેમજ વિદેશથી આવેલા 3,000થી વધુ ઉપસ્થિતોએ ભાગ લીધો અને એક જ છત હેઠળ એકતા અને ગૌરવની અનોખી અનુભૂતિ મેળવી.
સંમેલનની શરૂઆત ઉદ્ઘાટન સમારોહ અને સ્વાગત પ્રવચન સાથે થઈ, જેમાં એલપીએસ યુએસએના પ્રેસિડેન્ટ જગદીશ પટેલએ ઉપસ્થિતોને સંબોધ્યા અને સમુદાય એકતા માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો. ત્યારબાદ જાણીતા કટારલેખક અને પ્રેરક વક્તા જય વસાવડાના મુખ્ય ભાષણથી શ્રોતાઓ પ્રેરિત થયા.
તેમના વિચારપ્રેરક શબ્દોએ યુવાનો અને પરિવારોને તેમના વારસાને નવી દૃષ્ટિથી જોવા પ્રેર્યા. બીજા દિવસે, OYO રૂમ્સના સ્થાપક રિતેશ અગ્રવાલે બિઝનેસ અને લીડરશીપ સમિટમાં પોતાની પ્રેરણાદાયી સફર રજૂ કરી, જ્યારે લેખિકા અને આધ્યાત્મિક માર્ગદર્શક હિમાની ચાવડા એ મહિલા સશક્તિકરણ પર પોતાના અનુભવો શેર કર્યા. આ તમામ સત્રોએ શ્રોતાઓને હેતુ, એકતા અને આત્મવિશ્વાસની નવી લાગણી આપી.
સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરીએ તો સંમેલન મંચ પર કલા અને મનોરંજનની અનોખી ઉજવણી જોવા મળી. ભાવિન શાસ્ત્રી એ તેમના જીવંત અને ઉત્સાહી પરફોર્મન્સથી વાતાવરણને સંગીતમય બનાવ્યું, જ્યારે જાણીતી સંગીતકાર જોડી પ્રીતિ-પિંકીના સંગીતમય કાર્યક્રમગ્રાન્ડ- ગાલા નાઈટ યોજાઈ.
ત્રણ દિવસ દરમિયાન સંમેલનમાં અનેક વિશેષ કાર્યક્રમો યોજાયા – યુવા પ્રતિભા દર્શાવતાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે ગરબા નાઇટ, વેપાર અને વિક્રેતા પ્રદર્શન, વૈવાહિક મીટ અને નેટવર્કિંગ સત્રો, તેમજ આધ્યાત્મિક પ્રવચન અને સમુદાય એકતા કાર્યક્રમો વગેરે.
આ વર્ષેનું આ સંમેલન એકતા, સંસ્કૃતિ અને ભવિષ્ય નિર્માણનું જીવંત પ્રતિક સાબિત થયું. 3,000થી વધુ ઉપસ્થિતો, અનેક સ્વયંસેવકો, પ્રાયોજકો અને નેતાઓના સહયોગથી આ ભવ્ય આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ સંમેલન દ્વારા સમગ્ર સમુદાયે પોતાના વારસાની ઉજવણી કરી અને આગામી પેઢીના ઉત્કર્ષ માટેનો સંકલ્પ કર્યો.