અજાણ્યા ઈસમોએ યુવકના હાથ પગ બાંધી નિર્દયતાથી હત્યા કરીઃ પરિવારજનોની ફાંસીની માંગ

રાજસ્થાની યુવાનની હત્યા કરનાર આરોપીઓને ફાંસી આપવાની પરિવારજનોની માંગ
કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશ માલીની હત્યાના ૬ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેતા પરિવારજનોમાં રોષ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના નંદેલાવ ગામ નજીક આવેલી આશીર્વાદ સોસાયટીમાં અઠવાડિયા અગાઉ બનેલી એક દર્દનાક હત્યાની ઘટનાએ સમગ્ર જીલ્લામાં ચકચાર મચાવી હતી.જોકે આરોપીઓ એક અઠવાડિયાથી પોલીસ પકડથી હજુ રહેતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે અને પોલીસને રજૂઆત કરતા સમાજ સાથે પહોંચ્યો હતો.
મૂળ રાજસ્થાનના અને હાલ ભરૂચના નંદેલાવ ગામની આશીર્વાદ સોસાયટીના બી-૧૩ મકાન નંબરમાં રહેતા અને વર્ષોથી ભરૂચમાં કેટરર્સનો ધંધો કરતા પ્રકાશ માલી ઉંમર અંદાજે ૪૦ વર્ષની અજાણ્યા ઈસમો દ્વારા હાથ પગ બાંધી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
પ્રકાશ માલી પરિવાર સાથે અહીં રહેતા હતા અને કેટરર્સનો ધંધો ધીરેથી ચલાવતા હતા.તેઓનું પરિવાર પોતાના વતન રાજસ્થાન ગયું હોવાથી તેઓ ઘરે એકલા હતા જેની લાભ લઈ સાંજના સમયે અજાણ્યા શખ્સોએ તેમના ઘરમાં પ્રવેશ કરી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.જેમાં પગલે સ્થાનિક પોલીસ સહિત એલસીબી સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસ દ્વારા સ્થળ પરથી વિવિધ પુરાવા એકત્ર કરી તપાસ હાથ ધરાઈ હતી.પરંતુ આજે હત્યાના બનાવને અઠવાડિયા જેટલો દિવસ વીતી ગયા હોવા છતાં હત્યારા આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે.જેના કારણે આજે મૃતકના પરિવારજનો તથા સગાં સંબંધીઓ સમજ સાથે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ભેગા થયા હતા અને તેમણે પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરી માંગણી કરી હતી કે વહેલી તકે આરોપીઓને પકડીને કાયદાની કડક સજા કરવામાં આવે જેથી મૃતકને ન્યાય મળી રહે.
હાલ તો પોલીસ દ્વારા હત્યા પાછળ કારણ શું હતું તે હજી સ્પષ્ટ થયું નથી,પરંતુ ધંધાકીય રંજિશ અથવા કોઈ વ્યક્તિગત દુશ્મની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.ત્યારે પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઈલ્સના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.