Western Times News

Gujarati News

કેજરીવાલે જેલ જતાં પહેલાં રાજીનામું આપ્યું હોત તો આ પ્રકારના કાયદાની જરૂર ન પડત

અમિત શાહે કહ્યું કે જેલમાં ગયેલા નેતાઓ પદ પર રહે તે યોગ્ય નથી

નવી દિલ્હી, દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં કેરળ પ્રવાસ દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે દેશના વડા પ્રધાન, મુખ્યમંત્રીઓ કે મંત્રીઓ જો ગંભીર ગુનાહિત આરોપોમાં જેલમાં જાય અને છતાં પદ પરથી રાજીનામું ન આપે, તો શું તે લોકશાહી અને નૈતિકતા માટે યોગ્ય છે? અમિત શાહે જણાવ્યું કે ૭૦ વર્ષ પહેલા એક ઘટના આવી હતી જેમાં ઘણા નેતાઓ જેલ ગયા હતા પરંતુ તમામે જેલમાં જતાં પહેલાં રાજીનામું આપી દીધું હતું.

પરંતુ આજે એક અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે જ્યાં દિલ્હી રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જેલમાં હોવા છતાં સરકાર ચલાવી રહ્યા હતા. તેમણે ખાસ કરીને અરવિંદ કેજરીવાલનો ઉલ્લેખ કર્યા વિના તેમનો ઉલ્લેખ કર્યો. આ બેકડ્રોપમાં કેન્દ્ર સરકારે લોકસભામાં એક બિલ રજૂ કર્યું છે જેમાં જાહેર પદ ધારકો માટે ખાસ જોગવાઈ રાખવામાં આવી છે.

નવા બિલ અનુસાર જો વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી સામે એવા ગુનાઓમાં કેસ નોંધાય છે જેમાની સજાની જોગવાઈ પાંચ વર્ષ કે તેથી વધુ હોય અને તેઓ ૩૦ દિવસથી વધુ સમય સુધી કસ્ટડીમાં હોય, તો ધરપકડના ૩૧મા દિવસે તેઓ આપમેળે પદ પરથી દૂર કરવામાં આવશે. વધુમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે જો કેજરીવાલે જેલ જતાં પહેલાં રાજીનામું આપી દીધું હોત તો આજે આ પ્રકારના કાયદાની જરૂર ન પડત.

તેમણે ઉમેરીને કહ્યું કે બંધારણ બનાવતી વખતે એવું કલ્પનાય નહોતું કે જેલમાં ગયેલા નેતાઓ પદ પર ચોંટેલા રહેશે. “અમે એવું માનતા હતા કે નૈતિકતા મુખ્ય સ્થાન લેશે, પરંતુ આજે તેનો અભાવ જોવા મળે છે. હવે બંધારણમાં સુધારા કરવાની જરૂર ઊભી થઈ છે,” એમ મંત્રીએ જણાવ્યું હતું. નવા બિલ મુજબ, રાજ્યના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ માટે પણ આવી જ જોગવાઈ લાગુ પડશે.

કલમ ૧૬૪માં ફેરફાર કરીને એ ઉમેરવામાં આવશે કે જો મુખ્યમંત્રી અથવા મંત્રી કસ્ટડીમાં હોય અને ૩૦ દિવસ પૂરા થાય તો ૩૧મા દિવસે તેઓ પદ પરથી આપમેળે દૂર થશે. જો તેમની પાસે જામીન મળે તો તેઓ ફરીથી પદ પર નિમાઈ શકે છે,શાસક પક્ષ તેમ ઇચ્છે. આ બિલની સામે વિપક્ષે કડક આક્ષેપ કર્યા છે અને તેને રાજકીય રીતે પ્રેરિત જણાવ્યું છે, પણ શાહે સ્પષ્ટ કર્યું કે આ બિલ કોઈ પક્ષ માટે નથી.

“જો આવો કાયદો બને છે તો તે ભાજપના મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાન પર પણ લાગુ પડશે,” એમ તેમણે જણાવ્યું. નૈતિકતા, સંવિધાનિક જવાબદારી અને જાહેર જીવનમાં પારદર્શિતાને ધ્યાનમાં રાખતા, આ બિલ દેશના રાજકીય સંસ્કૃતિમાં એક મોટા પરિવર્તન તરફ ઈશારો કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.