જાફરાબાદના દરિયામાં 12 માછીમારો લાપતા: અન્ય બે બોટના ૯ ખલાસીને બચાવાયા

પ્રતિકાત્મક
જાફરાબાદના દરિયામાં ભારે કરંટ આવતા વહીવટી તંત્રએ તમામ માછીમારોને પરત ફરવાનો સંદેશ આપ્યો હતો
જાફરાબાદ, છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે. જેના કારણે માછીમારો અને ફિશિંગ બોટો પર ભારે જોખમ ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં ૩ દિવસ પહેલાં ૩ ફિશિંગ બોટ ડૂબી જવાથી ૧૧ માછીમારો હજુ પણ લાપતા છે, જેમને શોધવા માટે કોસ્ટગાર્ડની ટીમ સતત કામ કરી રહી છે.
લાપતા થયેલા ૧૧ માછીમારોની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન, શિયાળબેટની વધુ બે બોટ અને તેમા સવાર ૯ ખલાસીઓ સાથેનો સંપર્ક તૂટી જતાં નવી ચિંતા ઊભી થઈ હતી. આ બે બોટના નામ ‘ધનવંતી’ અને ‘લક્ષ્મીપ્રસાદ’ હતા. જોકે, આ બોટ અને ખલાસીઓ હેમખેમ મળી આવતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
પહેલા ‘ધનવંતી’ બોટ અને તેના ખલાસીઓ મળી આવ્યા હતા અને તેમને પરત લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ‘લક્ષ્મીપ્રસાદ’ બોટનો પણ સંપર્ક થઈ જતાં તેને પણ કિનારે લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જાફરાબાદના દરિયામાં ભારે કરંટ આવતા વહીવટી તંત્રએ તમામ માછીમારોને પરત ફરવાનો સંદેશ આપ્યો હતો. આ સંદેશ મળતા ૫૦૦થી વધુ બોટ દરિયામાંથી કિનારે પરત ફરી હતી.
જોકે, આ દરમિયાન જાફરાબાદની ૨ અને રાજપરાની ૧ બોટ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ૧૭ માછીમારોને બચાવી લેવાયા હતા, પરંતુ ૧૧ માછીમારો હજુ પણ લાપતા છે. આ લાપતા માછીમારોને શોધવા માટે છેલ્લા ૪૮ કલાકથી કોસ્ટગાર્ડના જહાજ અને હેલિકોપ્ટર દ્વારા સઘન શોધખોળ ચાલી રહી છે.
વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, જાફરાબાદ અને આસપાસના વિસ્તારની કુલ ૭૦૦થી વધુ બોટ છે, જેમાંથી મોટાભાગની બોટ આજે સવાર સુધીમાં સુરક્ષિત રીતે કિનારે પહોંચી ગઈ છે. જે બોટના એન્જિન દરિયામાં બંધ પડી ગયા હતા, તેમને પણ કિનારે લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
લાપતા થયેલા ૧૧ માછીમારો
ચીથર પાંચા બારૈયા, ધારાબંદર
વિજય છગન ચુડાસામા, રાજપરા
વિનોદ કાળુ બાંભણીયા, રાજપરા
પ્રદિપ રમેશ ચુડાસામા, રાજપરા
દિનેશ બાબુ બારૈયા, જાફરાબાદ
હરેશ બિજલ બારૈયા, જાફરાબાદ
મનસુખ ભાણા શિયાળ, શિયાળબેટ
વિનોદ ઢીસા બારૈયા, જાફરાબાદ
વિપુલ વાલા ચૌહાણ, જાફરાબાદ
ચંદુ અરજણ બારૈયા, જાફરાબાદ
કમલેશ શાંતિ શિયાળ, શિયાળબેટ